Homeગુજરાતીગુજરાતઅમદાવાદ શહેરની બહાર 17 કોમર્શિયલ ગરબા યોજાશે, પોલીસે જાહેર કર્યા નિયમો

અમદાવાદ શહેરની બહાર 17 કોમર્શિયલ ગરબા યોજાશે, પોલીસે જાહેર કર્યા નિયમો

અમદાવાદ, 8 ઓક્ટોબર, 2026 :  17 commercial Garba will be held outside Ahmedabad city નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પાર્ટી પ્લોટ્સ, સોસાયટીઓ, કલબોમાં ગરબાની તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદ શહેરની આજુબાજુના વિસ્તારોમાં પાર્ટી પ્લોટ્સ અને કલબો અને ફાર્મ હાઉસમાં 17 જેટલા કોમર્શિયલ ગરબા યોજાશે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગરબા આયોજકોની બેઠક બોલાવીને જરૂરી સુચનાઓ આપી છે. પોલીસ દ્વારા દરેક ગરબા આયોજકનું સિક્યુરિટીને લઈ ઓડિટ કરવામાં આવશે. ગરબા સ્થળ પર સિક્યુરિટી માટે 28 મુદ્દા આપવામાં આવ્યા છે તે તમામની તપાસ કરી અને વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી કરવામાં આવશે. દરેક ગરબા આયોજકે સુરક્ષા, મેડિકલ, CCTV અને પોલીસ માટે અલગ ડેસ્ક રાખવાના રહેશે.

અમદાવાદ ગ્રામ્ય એસ.પી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આગામી તા.  11થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાનારા ગરબા કાર્યક્રમો માટે 890 અરજી આવેલી છે, જેમાં અમદાવાદ શહેરની આસપાસ 17 કોમર્શિયલ ગરબા માટેની અરજી છે. મોટા કોમર્શિયલ ગરબા સ્થળોએ પોલીસ હેલ્પ ડેસ્ક, મહિલા અને બાળકો માટે અલગ હેલ્પ ડેસ્ક, CCTV કંટ્રોલ રૂમ અને મેડિકલ ટીમ માટે ડેસ્ક રાખવાનું રહેશે સાથે પોલીસ માટે પણ અલગથી ડેસ્ક ઉભું કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે અલગ પ્રવેશ લાઇન, મહિલા બાઉન્સર અને મહિલા સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા સાથે SHE ટીમ પણ ગરબા સ્થળ, પાર્કિંગ અને અંધારા રસ્તાઓ પર નજર રાખશે. ગ્રામ્ય પોલીસની શી ટીમ ગરબા સ્થળ પર ખાનગી કપડાઓમાં ખેલૈયા તરીકે જશે. ખાસ કરીને વાહનો માટે આયોજકે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ક્યાંય પણ ટ્રાફિક ન થાય તે મુજબ આયોજન કરવાનું રહેશે.

ગરબા સ્થળ પર ગેરકાયદે પાર્કિંગને લઈને આયોજકને કડક સુચના આપવામાં આવી છે. કોઈપણ ગેરકાયદે પાર્કિંગ કરાવી પૈસા ઉઘરાવતા હશે તો તેની સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. દરેક ગરબા આયોજકે પાર્કિંગ રાખવાનું રહેશે. ગરબા આયોજકે કેપેસિટી કરતાં વધુ લોકોને એન્ટ્રી આપવાની રહેશે નહીં. પોલીસ દ્વારા ગરબા સ્થળ પર ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે. દરેક મોટા ગરબા સ્થળ માટે આયોજક તરફથી એક નોડલ વ્યક્તિ અને પોલીસ સ્ટેશન તરફથી એક સંકલન અધિકારી રહેશે અને બંને સતત સંપર્કમાં રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular