Homeગુજરાતીદેશ-વિદેશનોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રખાશે

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રખાશે

લખનૌ, 9 ઓક્ટોબર 2026: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જેવર સ્થિત નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માહિતી આપતાં જણાવ્યું હતું કે, હવે આ એરપોર્ટનું નામ ‘નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નોઇડા-જેવર’ રાખવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. કેબિનેટમાં આ પ્રસ્તાવ મંજૂર થયા બાદ હવે તેને અંતિમ ઔપચારિકતાઓ માટે આગળ મોકલવામાં આવશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉત્તર પ્રદેશ માટે એક અનોખી ભેટ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ, માર્ગદર્શન અને યુપીના વિકાસ પ્રત્યેની સતત પ્રતિબદ્ધતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ એરપોર્ટ ઉત્તર પ્રદેશનું સૌથી મોટું એરપોર્ટ અને દેશનું અગ્રણી એવિએશન હબ બનશે. સરકારે વર્ષ 2047 સુધીમાં વિકસિત ઉત્તર પ્રદેશ અને વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવાનો સંકલ્પ પણ દોહરાવ્યો હતો.

  • વાર્ષિક 1.2 કરોડ મુસાફરોની ક્ષમતા ધરાવતું એરપોર્ટ

જેવર ખાતે નિર્માણ પામેલું આ એરપોર્ટ દિલ્હી-એનસીઆરનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરનું ભારણ ઘટાડવામાં મદદરૂપ બનશે. આ એરપોર્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 1 રનવે અને પેસેન્જર ટર્મિનલ તૈયાર કરાયું છે, જેની વાર્ષિક ક્ષમતા અંદાજે 1.2 કરોડ મુસાફરોની છે. આગામી તબક્કાઓમાં તેની ક્ષમતા વધારીને વાર્ષિક 7 કરોડ મુસાફરો સુધી પહોંચાડવાની યોજના છે.

  • યોગી કેબિનેટમાં મંજૂર કરાયેલા અન્ય 8 મુખ્ય પ્રસ્તાવ

બિલ્ડિંગ બાયલોઝ: રાજ્યના ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણોમાં ‘મોડેલ બિલ્ડિંગ રેગ્યુલેશન-2026’ લાગુ કરવાનો નિર્ણય.
ડાંગર ખરીદી નીતિ: ખરીફ માર્કેટિંગ સત્ર 2026-27 માટે લઘુત્તમ ટેકાના ભાવ પર ડાંગર ખરીદીની નીતિ નક્કી કરાઈ.
સ્ટાર્ટઅપ પોલિસી: ઉત્તર પ્રદેશ સ્ટાર્ટઅપ પ્રોક્યોરમેન્ટ સ્કીમ-2026 ને મંજૂરી.
AI મિશન: ઉત્તર પ્રદેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મિશનની સ્થાપના અને સંચાલનને મંજૂરી.
આંગણવાડી કાર્યકરો માટે નિર્ણય: આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને 1 વધારાની સાડી આપવાનો નિર્ણય.
ભદોહીનું નામ બદલાશે: ભદોહી જિલ્લાનું નામ બદલીને ‘સંત રવિદાસનગર ભદોહી’ કરવાના પ્રસ્તાવને મંજૂરી.
રોડ રુપાંતરણ: મૈનપુરીમાં શિકોહાબાદ-ભોગાવ સ્ટેટ હાઇવેને 4-લેન કરવાનો અને મજબૂત કરવાનો પ્રસ્તાવ મંજૂર.
વ્યાજ માફી યોજના: ઉત્તર પ્રદેશ વ્યાજ માફી યોજના-2026 લાગુ કરવાની મંજૂરી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular