ન્યુ દિલ્હી, 12 ઓક્ટોબર 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના સચિવ દેવજીત સાઈકીયાએ એવા તમામ અહેવાલોનું સખત ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી 3 મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ દિલ્હીથી અમદાવાદ ખાતે ખસેડવામાં આવી છે. સાઈકીયાએ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે આગામી 13 ડિસેમ્બરના રોજ રમાનાર આ મુકાબલાની યજમાની સ્ટાન્ડર્ડ નીતિ હેઠળ દિલ્હીને જ સોંપવામાં આવી છે અને તેના વેન્યૂમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બીસીસીઆઈ સચિવ દેવજીત સાઈકીયાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “દિલ્હીમાં નિર્ધારિત ભારત-શ્રીલંકા વનડે મુકાબલાને અમદાવાદમાં શિફ્ટ કરવાના અહેવાલો તદ્દન પાયાવિહોણા છે. બોર્ડ દ્વારા આવો કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે દ્વિપક્ષીય શ્રેણીઓ માટેના વેન્યૂની ફાળવણી હંમેશાં બોર્ડની પૂર્વ-નિર્ધારિત નીતિ મુજબ જ કરવામાં આવે છે.
અગાઉ વિવિધ અહેવાલોમાં એવો દાવો કરાઈ રહ્યો હતો કે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચાલી રહેલા સમારકામ અને નિર્માણ કાર્યના કારણે આ મેચ અમદાવાદ ખસેડવામાં આવશે. નોંધનીય છે કે આ સિરીઝની અંતિમ વનડે મેચ અગાઉથી જ 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે રમાવાનું નક્કી થયેલું છે. વનડે શ્રેણી ઉપરાંત શ્રીલંકાની ટીમ આ પ્રવાસ દરમિયાન 3 મેચની ટી20 સિરીઝ પણ રમવાની છે.
શ્રીલંકાની ટીમ ડિસેમ્બર મહિનામાં ભારતના પ્રવાસે આવશે, જેમાં 13 ડિસેમ્બર ના રોજ પ્રથમ વનડે (દિલ્હી), 16 ડિસેમ્બર ના રોજ બીજી વનડે (બંગલુરુ) અને 19 ડિસેમ્બર ના રોજ ત્રીજી વનડે (અમદાવાદ) રમાશે. ત્યારબાદ 22 ડિસેમ્બર ના રોજ રાજકોટમાં પ્રથમ ટી20, 24 ડિસેમ્બર ના રોજ કટક ખાતે બીજી ટી 20 અને 27 ડિસેમ્બર ના રોજ પુણેમાં ત્રીજી ટી 20 મેચ રમાશે. 2 વખતની વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમ માટે આ વનડે સિરીઝ 2027ના પુરુષ વનડે વર્લ્ડ કપની તૈયારીઓ અને ટીમ કોમ્બિનેશન નક્કી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.


