Homeગુજરાતીદેશ-વિદેશબિહારના વૈશાલીમાં ગંગા નદીમાં બોટ પલટતા 13 લોકોના મોતઃ PM દ્વારા સહાયની...

બિહારના વૈશાલીમાં ગંગા નદીમાં બોટ પલટતા 13 લોકોના મોતઃ PM દ્વારા સહાયની જાહેરાત

પટના, 14 ઓક્ટોબર 2026: બિહારના વૈશાલી જિલ્લાના રાઘોપુર વિસ્તારમાં ગંગા નદીમાં એક મોટો જળ અકસ્માત સર્જાયો છે. ગઈકાલે રાત્રે મુસાફરોથી ભરેલી એક બોટ ગંગા નદીમાં પલટી જવાથી 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં તંત્ર અને સ્થાનિક લોકોની મદદથી 6 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય 7 લોકોને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોટ પર લગભગ 15 થી 20 લોકો સવાર હતા. અચાનક નદીના પ્રવાહ કે ઓવરલોડિંગના કારણે બોટ અસંતુલિત થઈને પલટી ગઈ હતી. રાત્રિના સમયે બનેલી આ ઘટનાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, છતાં સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ગોઝારી દુર્ઘટના પર દેશના શીર્ષ નેતૃત્વ અને રાજ્ય સરકાર દ્વારા ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. PMO તરફથી મૃતકોના પરિવારજનો માટે PMNRFમાંથી દરેક મૃતકના નજીકના સગાને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ આ ઘટના પર ગહન દુઃખ વ્યક્ત કરતા રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત કરી છે. સરકાર દ્વારા દરેક મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે. તંત્ર દ્વારા નદીમાં અન્ય કોઈ વ્યક્તિ લાપતા છે કે કેમ તેની ખાતરી કરવા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ રાખવામાં આવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular