Homeગુજરાતીદેશ-વિદેશPoK માં 500 આતંકીઓ સક્રિય, શિયાળા પહેલા ભારતીય સેના હાઈ એલર્ટ પર

PoK માં 500 આતંકીઓ સક્રિય, શિયાળા પહેલા ભારતીય સેના હાઈ એલર્ટ પર

નવી દિલ્હી, 16 ઓક્ટોબર 2026: જમ્મુ-કાશ્મીરમાં શિયાળાની શરૂઆત થાય તે પહેલાં પાકિસ્તાન તરફથી મોટા પાયે આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની ઘાતક સાજીશ રચાઈ રહી હોવાના ગુપ્તચર ઇનપુટ્સ સામે આવ્યા છે. ગુપ્તચર અહેવાલો મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વિવિધ લોન્ચપેડ પર આશરે 500 જેટલા આતંકીઓ સક્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ થાય તે પહેલાં આ આતંકીઓને ભારતીય સીમામાં ધકેલવાના પાકિસ્તાની મનસૂબા છે.

મળતી માહિતી મુજબ, શિયાળાની ઋતુમાં ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષાને કારણે ઘૂસણખોરીના પરંપરાગત રસ્તાઓ બંધ થઈ જાય છે. આ સ્થિતિ સર્જાય તે અગાઉ નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આતંકીઓને ભારતમાં ઘૂસાડવાના પ્રયાસો તેજ થઈ શકે છે. બરફ પડ્યા બાદ આંતરરાષ્ટ્રીય સરહદનો વિસ્તાર આતંકીઓ દ્વારા સુરક્ષિત રૂટ તરીકે ઉપયોગમાં લેવાય તેવી પૂરી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ બંને મોરચે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ઘૂસણખોરીના આ નાપાક ખેલને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના અને સુરક્ષા બળોએ એલર્ટ મોડ ધારણ કર્યો છે. એલઓસી પર ભારતીય સૈન્યને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે, જેથી કોઈપણ લોન્ચપેડથી થતી હિલચાલને તાત્કાલિક નેસ્તનાબૂદ કરી શકાય. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સરહદ પર ડિફેન્સની ફર્સ્ટ લાઇન ગણાતી બોર્ડર સિક્યોરિટી ફોર્સને પણ એન્ટી-ઇનફિલ્ટ્રેશન ઓપરેશન્સ (ઘૂસણખોરી વિરોધી અભિયાનો) વધુ તેજ કરવા ખાસ આદેશો આપવામાં આવ્યા છે.

સુરક્ષાની દૃષ્ટિએ શિયાળા પહેલાંનો આ સમયગાળો અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. ગુપ્તચર ઇનપુટ્સ બાદ સેના દ્વારા સરહદ પર પેટ્રોલિંગ, નાકાબંધી અને ઇન્ટેલિજન્સ બેઝ્ડ ઓપરેશન્સ વધારી દેવામાં આવ્યા છે, જેથી દેશની સુરક્ષા સાથે કોઈીછેડછાડ ન થઈ શકે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular