મુંબઈ, 19 ઑક્ટોબર, 2026: Navi Mumbai airport મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 (T2) પરથી એક-તૃતીયાંશ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ખાતે શિફ્ટ કરવાના પ્રસ્તાવને એરલાઈન્સ કંપનીઓએ ફગાવી દીધો છે.
એરલાઈન ઓપરેટર્સ કમિટી (AOC) એ શનિવારે MIAL ને પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે યોગ્ય પ્રક્રિયા અને સર્વસંમતિ વિના સ્લોટમાં કાપ કે ફ્લાઈટ્સનું ટ્રાન્સફર તેમને કોઈપણ ભોગે મંજૂર નથી. આ વિવાદ વચ્ચે બંને પક્ષો વચ્ચે આગામી બેઠક 28 ઓક્ટોબરે યોજવાનું નક્કી કરાયું છે.
MIALની ટ્રાફિક બેલેન્સિંગ યોજના પર વિવાદ
વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે MIALએ 16 ઓક્ટોબરે એરલાઈન્સને પત્ર મોકલીને સમર શેડ્યૂલ 2027થી વાર્ષિક 50 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોને T2થી નવી મુંબઈ શિફ્ટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને આ અંગે 21 ઓક્ટોબર સુધીમાં વાતચીત પૂર્ણ કરવા જણાવ્યું.
જોકે, 13 ઓક્ટોબરની બેઠકમાં ઓપરેટરે આશ્વાસન આપ્યું હતું કે માર્ચના અંત સુધીના વિન્ટર શેડ્યૂલમાં નિયમિત સ્લોટ્સ સાથે કોઈ છેડછાડ કરવામાં નહીં આવે, પરંતુ સમર 2027થી ટ્રાફિક બેલેન્સિંગ કરવાની વાત કહેવામાં આવી હતી.
તેના જવાબમાં AOC એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કેટલીક એરલાઈન્સ સાથે અલગથી કરવામાં આવેલી વાતચીતને તમામ એરલાઈન્સની સામૂહિક સંમતિ ગણી શકાય નહીં અને ઓપરેટરે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તથા ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના સ્લોટ ફાળવણીના નિયમોનું પૂર્ણપણે પાલન કરવું પડશે.
રિન્યુએશનના નામે ફ્લાઈટ્સ ખસેડવા સામે ઊભા કર્યા સવાલો
AOC એ ટર્મિનલ 1 (T1) ના રિન્યુએશનના નામે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને હટાવવાની જરૂરિયાત સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. એરલાઈન્સનું કહેવું છે કે T1 ની કુલ ક્ષમતા 1.5 કરોડ મુસાફરોની છે, જ્યારે હાલમાં ત્યાંથી વાર્ષિક 1 કરોડથી પણ ઓછા મુસાફરો અવરજવર કરે છે.
બીજી તરફ, માર્ચ 2027 સુધીમાં T2ની ક્ષમતામાં 50 લાખ મુસાફરોનો વધારાનો ઉમેરો થવાનો છે. તેવામાં T1 ના ડિમોલિશનથી પ્રભાવિત થનારા ઘરેલું મુસાફરોને જગ્યા આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્લોટ રદ કરવાનો કોઈ મજબૂત અને તાર્કિક આધાર ઓપરેટરે રજૂ કર્યો નથી.
AOC એ માંગ કરી છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા T1 ના પુનઃનિર્માણની પૂરી રૂપરેખા, સુરક્ષા મૂલ્યાંકન અને ટર્મિનલ ક્ષમતાનો વાસ્તવિક ડેટા જાહેર કરવામાં આવે.
મંત્રાલયના હસ્તક્ષેપ બાદ ટળી હતી તાત્કાલિક કટોકટી
આ મડાગાંઠ સૌથી પહેલા 1 ઓક્ટોબરે શરૂ થઈ હતી, જ્યારે MIAL એ 25 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વિન્ટર શેડ્યૂલમાં દર અઠવાડિયાના 770 આંતરરાષ્ટ્રીય ડિપાર્ચર સ્લોટમાંથી 265 સ્લોટ કાપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આનાથી 46 ભારતીય અને વિદેશી એરલાઈન્સની રોજના આશરે 38 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ રહી હતી.
જૂનમાં જ શેડ્યૂલ મંજૂર થઈ ગયું હોવાથી અને ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું હોવાને કારણે એરલાઈન્સે કડક વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ 3 ઓક્ટોબરે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
ત્યારબાદ ઓપરેટરે માર્ચ 2027 સુધી સ્લોટમાં છેડછાડ નહીં કરવાનું આશ્વાસન આપ્યું હતું. નક્કી કરાયેલી યોજના મુજબ 15 જાન્યુઆરી 2027થી T1ના નવીનીકરણનો પ્રથમ તબક્કો શરૂ થવાનો છે, જેમાં T1B નો ઉત્તર તરફનો ભાગ તોડી પાડવાનો પ્રસ્તાવ છે.


