નવી દિલ્હી, 19 ઓક્ટોબર 2026: અમેરિકા દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાયેલા અને પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક સભ્યોમાંના એક ચૌધરી મોહમ્મદ સરવર ઉર્ફે અબુ હાશિમનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. રવિવારે લાહોરના મરકઝ કુદેસિયાની ચોથા માળેથી શંકાસ્પદ રીતે નીચે પટકાવવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ વર્ષ 2016ના એ કિસ્સાની યાદ અપાવી દીધી છે, જ્યારે કરાચીમાં નિર્માણધીન ઇમારત પરથી પડી જવાથી નકલી કરન્સીના માસ્ટરમાઇન્ડ જાવેદ ખનાનીનું શંકાસ્પદ મોત થયું હતું.
મૃતક સરવર પંજાબ પ્રાંતમાં આતંકી સંગઠનની રાજકીય વિંગ ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ’ની આડમાં ફાઇનાન્સ વિંગ અને ફંડ એકત્ર કરવાનું કામ સંભાળી રહ્યો હતો. તે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ અને હાલના ડેપ્યુટી ચીફ સૈફુલ્લા કસૂરીનો અત્યંત નજીકનો સાગરિત હતો. નોંધનીય છે કે થોડા મહિના અગાઉ જ એક માર્ગ અકસ્માતમાં સરવરના પુત્રનું પણ મોત થયું હતું.
પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે પીએમએમએલની પંજાબ યુનિટના અધ્યક્ષ મુહમ્મદ સરવરનું મોત થયું છે. સંગઠન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, તે નમાઝ માટે જઈ રહ્યો હતો ત્યારે અચાનક પડી જવાથી તેનું મોત થયું છે. જોકે, સરવરના મોતનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર નથી કરાયું, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ છત પરથી પડવાથી માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું મોત થયું હતું.
-
અમેરિકાએ 2016 માં જાહેર કર્યો હતો આતંકી
અમેરિકી ન્યાય વિભાગે વર્ષ 2016માં ચૌધરી મોહમ્મદ સરવરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. તે 2000 ના દાયકાની શરૂઆતથી જ લાહોરમાં લશ્કર-એ-તૈયબાનો વરિષ્ઠ સભ્ય હતો અને સંગઠનમાં અનેક મહત્વના પદો પર રહી ચૂક્યો હતો. તે ઓછામાં ઓછા જાન્યુઆરી ૨૦૧૫થી લાહોરમાં લશ્કરનો ‘અમીર’ (પ્રમુખ) તરીકે જવાબદારી સંભાળતો હતો.
અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, સરવરે ૨૦૧૨ અને ૨૦૧૩ વચ્ચે લશ્કરના વિદેશ મામલાના પ્રમુખ હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી સાથે પણ કામ કર્યું હતું. આતંકી સંગઠનની નાણાકીય નળીઓ તોડી નાખવા માટે અમેરિકાના ‘ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ’દ્વારા તેના પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.
-
લાહોરની કોટ લખપત જેલમાં બંધ છે હાફિઝ સાઈદ
પીએમએમએલ એ જમાત-ઉદ-દાવોની રાજકીય શાખા છે, જેનો મુખ્ય સૂત્રધાર હાફિઝ સાઈદ છે. હાફિઝ સાઈદ વર્ષ 2019થી લાહોરની કુખ્યાત કોટ લખપત જેલમાં બંધ છે. તેને ટેરર ફંડિંગ અને અન્ય ગંભીર કેસોમાં અદાલતે દોષિત ઠેરવીને લાંબી જેલની સજા ફટકારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મોડી રાત્રે લાહોરના ચુબુરજી વિસ્તારમાં આવેલા જમાત-ઉદ-દાવોના મુખ્યાલય જામિયા અલ-કાદસિયા ખાતે સરવરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


