HomeAgency Newsમેટાને માપમાં રહેવા ભારત સરકારની સલાહ, અલગોરિધમની સમીક્ષા કરવા જણાવ્યું

મેટાને માપમાં રહેવા ભારત સરકારની સલાહ, અલગોરિધમની સમીક્ષા કરવા જણાવ્યું

નવી દિલ્હી, 19 ઑક્ટોબર, 2026 – Don’t be one sided, review your algorithm ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સંચાલિત કરતી કંપની મેટા (Meta) પર કેન્દ્ર સરકારે હવે માત્ર કન્ટેન્ટ હટાવવા કે મોનિટર કરવા પર જ નહીં, પરંતુ તેની પાછળ કામ કરતા અલ્ગોરિધમ પર પણ સવાલો ઉઠાવ્યા છે. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ મેટાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેના પ્લેટફોર્મ પર યુઝર્સ કોઈપણ એક જ નેરેટિવ, એકતરફી માહિતી કે ભ્રામક સામગ્રીના સતત સંપર્કમાં આવવા જોઈએ નહીં.

સરકારે ચેતવણી આપી છે કે જો રેકમેન્ડ કરનારી સિસ્ટમ્સ (recommendation systems) કોઈ ખાસ પ્રકારના કન્ટેન્ટને જરૂર કરતાં વધુ પ્રોત્સાહન આપે છે, તો તેનાથી ભ્રમ, ભય અને જાહેર વ્યવસ્થા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

સરકારે એ વાત પર ચિંતા વ્યક્ત કરી છે કે કેટલીકવાર જાહેર ઘટનાઓ, કાયદો અને વ્યવસ્થા સંબંધિત બાબતો કે સંવેદનશીલ પરિસ્થિતિ સાથે જોડાયેલા વીડિયો, તસવીરો અને ગ્રાફિક્સ પૂરતા સંદર્ભ વિના મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી જાય છે. જો આવી સામગ્રીને અલ્ગોરિધમ વારંવાર આગળ ધપાવે તો તેનાથી લોકોમાં ભ્રમ અને આશંકા ફેલાઈ શકે છે.

એડવાઈઝરીમાં જણાવાયું છે કે જાહેર વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા સંબંધિત ઘટનાઓ દરમિયાન વધારાની સતર્કતા દાખવવાની જરૂર છે. મંત્રાલયે ખાસ કરીને જૂની તસવીરો અને વીડિયોને નવી ઘટના ગણાવીને રજૂ કરવા, એડિટ કરેલા વિઝ્યુઅલ્સ, ઈમરજન્સી પ્રતિબંધો કે પોલીસ કાર્યવાહી સંબંધિત અસમર્થિત દાવા અને પૂરતા સંદર્ભ વિનાના ઓડિયો-વીડિયો કન્ટેન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સરકારનું માનવું છે કે આવી સામગ્રી જો ઝડપથી ફેલાય છે, તો તેની અસર વાસ્તવિક દુનિયામાં પણ જોવા મળી શકે છે.

નવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવે: મંત્રાલય
MeitY એ મેટાને એવું પણ કહ્યું છે કે તે એવી મજબૂત વ્યવસ્થા વિકસાવે જે એવી પોસ્ટ અને સામગ્રીની ઓળખ કરી શકે જેને અલ્ગોરિધમ દ્વારા અસામાન્ય રીતે વધુ પહોંચ (reach) મળી રહી છે. મંત્રાલય ઈચ્છે છે કે આવી સામગ્રીની સમયસર સમીક્ષા થાય અને જરૂર પડે તો તેને ઉચ્ચ સ્તરે એસ્કેલેટ કરવામાં આવે, ખાસ કરીને ત્યારે જ્યારે તેનાથી વ્યાપક ભ્રમ, હિંસા કે જાહેર શાંતિ ભંગ થવાનું જોખમ હોય.

આ એડવાઈઝરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી અંગે ચાલી રહેલી મોટી ચર્ચા વચ્ચે આવી છે. હવે ચર્ચા માત્ર એ વાત સુધી સીમિત નથી કે પ્લેટફોર્મ પર કયું કન્ટેન્ટ ઉપલબ્ધ છે, પરંતુ એ વાત પર પણ છે કે આખરે કયું કન્ટેન્ટ લાખો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે અને શા માટે.

માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 અને IT નિયમો, 2021 હેઠળ જારી કરાયેલી આ સલાહમાં મેટાને કહેવામાં આવ્યું છે કે તે એ સુનિશ્ચિત કરે કે ભ્રામક, છેડછાડ કરાયેલા કે સંદર્ભ વગરના કન્ટેન્ટને જરૂર કરતાં વધુ પ્રોત્સાહન ન મળે. આ સાથે જ જાહેર ઘટનાઓ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો સાથે પૂરતો સંદર્ભ પણ પૂરો પાડવામાં આવે, જેથી યુઝર્સ તેની તારીખ, સ્થળ અને વાસ્તવિક પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજી શકે.

જોકે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેનો હેતુ કાયદેસરની અભિવ્યક્તિ કે જાહેર ચર્ચાને રોકવાનો નથી. મંત્રાલયે મેટાને કહ્યું છે કે તે તેની હાલની સુરક્ષા અને મોડરેશન વ્યવસ્થાને મજબૂત કરે, પરંતુ આમ કરતી વખતે કાનૂની અને લોકશાહી સંવાદ પર અનાવશ્યક રોક ન લાગે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું જવાબદાર માહિતી પ્રસારણને પ્રોત્સાહન આપવા અને સાથે જ કાયદેસરની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન જાળવી રાખવા માટે લેવામાં આવ્યું છે.

MeitY એ મેટાને તત્કાળ અસરથી જરૂરી પગલાં લેવા અને મંત્રાલયને પાલન સંબંધિત માહિતી આપવા નિર્દેશ આપ્યા છે. જોકે એડવાઈઝરીમાં કોઈ ચોક્કસ પોસ્ટ, ઘટના કે કન્ટેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને એ પણ નથી જણાવાયું કે મેટા પોતાની અલ્ગોરિધમિક સિસ્ટમમાં શું ફેરફાર કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular