મંગલુરુ, 20 ઑક્ટોબર, 2026 – Priest who sexually exploited minor children caught મંગલુરુ પોલીસે મંગલુરુના વેલેન્સિયા સ્થિત સેન્ટ વિન્સેન્ટ ફેરર ચર્ચના પાદરી સિપ્રિયન પિન્ટોની પાંચ 14 વર્ષીય સગીર વયના બાળકો પર ગંભીર જાતીય શોષણના આક્ષેપ હેઠળ ધરપકડ કરી છે.
પોલીસ કમિશનર સુધીર કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે વેલેન્સિયાના સેન્ટ વિન્સેન્ટ ફેરર ચર્ચના ફાધર સિપ્રિયન પિન્ટોની મંગલુરુ સાઉથ પોલીસે તેમના એક સગાના ઘરેથી અટકાયત કરી હતી.
ફાધર સિપ્રિયન સામે જાતીય ગુનાઓ સામે બાળકોના રક્ષણ માટેના ‘પોક્સો’ (POCSO) એક્ટની કલમ 8 (જાતીય હુમલો) અને કલમ 10 (ગંભીર જાતીય હુમલો) તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની કલમ 75(2) (જાતીય શોષણ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સમુદાયના એક સભ્ય અને સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું કે આ બાબત 17 ઓગસ્ટે બિશપ પીટર પોલ સલ્દાનહાના ધ્યાને લાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, POCSO એક્ટની કલમ 19 હેઠળ, બાળકની સામે થયેલા જાતીય ગુનાની જાણકારી ધરાવતી કોઈપણ વ્યક્તિ માટે સત્તાવાળાઓને તેની જાણ કરવી ફરજિયાત છે.
મંગલુરુ ડાયોસિસની પબ્લિક રિલેશન્સ ઓફિસે ચોક્કસ આક્ષેપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે આ મામલાની તપાસ પોલીસ કરી રહી છે.
સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર મંગલુરુ ડાયોસિસના અધિકારીઓ અને બિશપ પોતે પણ લગભગ બે મહિનાથી આ આક્ષેપોથી વાકેફ હતા.
આ પણ વાંચોઃ વંદા પાર્ટીના આશુતોષ રાંકા અને સૌરવ દાસે કાયદાનું ઉલ્લંઘન કર્યું છેઃ કોર્ટે જામીન અરજી ફગાવી
બિશપ સાથે બેઠક
પાડોશી અડુપી જિલ્લાના રહેવાસી સતીશ (નામ બદલ્યું છે), જેમને આ ઉત્પીડનની ઘટનાઓની સીધી માહિતી છે, તેમણે જણાવ્યું કે પાંચ બાળકો અને તેમનાં માતા-પિતા 17 ઓગસ્ટે બિશપને મળ્યા હતા.
“આ શહેરનાં બાળકો છે અને તેઓ પોતાની આસપાસની બાબતો પ્રત્યે વધુ જાગૃત છે. તેઓએ અંદરોઅંદર વાત કરી અને સમજી શક્યા કે તે બધાનું શોષણ થયું છે. તેઓએ આ અંગે આસિસ્ટન્ટ પૅરિશ પ્રિસ્ટ (મદદનીશ પાદરી) સાથે વાત કરી, જેઓ યુવાન છે અને બાળકોની ઉંમરની નજીક છે. આ પાદરીએ જ આ મુદ્દો ચર્ચના અન્ય એક સભ્ય સમક્ષ ઉઠાવ્યો, જેમણે ચર્ચમાં આ વિષય રજૂ કરીને વાઇસ પ્રેસિડેન્ટને પગલાં લેવા મજબૂર કર્યા. અન્ય કેટલાક બાળકોનું પણ શોષણ થયું હતું, પરંતુ અંતે માત્ર પાંચ બાળકો અને તેમનાં માતા-પિતા જ બિશપને મળવા આગળ આવ્યાં હતાં,” તેમ સતીશે જણાવ્યું હતું.
સતીશે ઉમેર્યું કે આ મુલાકાત વિન્સેન્ટ ફેરર ચર્ચના વાઇસ પ્રેસિડેન્ટ રોનાલ્ડ રોડ્રિગ્સ દ્વારા ગોઠવવામાં આવી હતી.
આ અંગે પૂછવામાં આવતાં રોનાલ્ડ રોડ્રિગ્સે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. “કેસ દાખલ થઈ ચૂક્યો હોવાથી હું કંઈ કહી શકું નહીં. જો હું કંઈપણ કહીશ તો તે કેસ માટે પૂર્વગ્રહયુક્ત બની શકે છે. આ મામલો અદાલતમાં હોવાથી અમે કંઈપણ પુષ્ટિ કરી શકીએ નહીં.”
સતીશે જણાવ્યું કે પાંચેય બાળકોએ તેમના થયેલા જાતીય શોષણની વિગતો આપતા બિશપને પત્રો લખ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર એક પત્ર લીક થયો છે.
પત્ર લખનાર 14 વર્ષીય બાળકે પોતાના પર થયેલા શોષણની વાત કરી છે અને એ પણ ઉલ્લેખ કર્યો છે કે તેણે ફાધર સિપ્રિયનને અન્ય એક બાળક સાથે છેડછાડ કરતા જોયા હતા.
બિશપને લખાયેલા ફરિયાદ પત્રની શરૂઆત આ વર્ષે 26 મેના રોજ ફાધર સિપ્રિયનના વિન્સેન્ટ ફેરર પૅરિશમાં આગમનથી થાય છે. બાળકે જણાવ્યું કે ફાધરે શરૂઆતમાં જાહેર સ્થળોએ મૈત્રીપૂર્ણ વર્તન કર્યું હતું. સમય જતાં ફાધર સિપ્રિયને કથિત રીતે તેની છેડતી કરવાનું શરૂ કર્યું. પત્રમાં ઓછામાં ઓછા ત્રણ પ્રસંગોનો ઉલ્લેખ છે જેમાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.
બાળકે પોતાના પત્રના અંતે લખ્યું હતું: “આ આપની જાણ સારુ છે. બાળકોનું આ જાતીય શોષણ બંધ થવું જોઈએ.”
ચર્ચની આંતરિક તપાસ
મૈસૂરસ્થિત ‘ઓડનાડી સેવા સંસ્થા’ના સહ-સ્થાપક અને સામાજિક કાર્યકર્તા સ્ટેનલી કે.વી.એ આક્ષેપ કર્યો હતો કે 9 સપ્ટેમ્બરે, માતા-પિતા બિશપને મળ્યાના થોડા દિવસો પછી જ્યુડિશિયલ વિકાર નવિન પિન્ટો અને અન્ય એક પાદરી મેલ્વિન પેરેસે માતા-પિતાને સમન્સ પાઠવીને “તપાસ” યોજી હતી.
જ્યુડિશિયલ વિકાર ‘ડાયોસેસન એકલેસિઆસ્ટિકલ ટ્રિબ્યુનલ’ના વડા હોય છે, જે અદાલત તરીકે કાર્ય કરતી સંસ્થા છે. જ્યુડિશિયલ વિકાર ડાયોસિસમાં તેમની ન્યાયિક ભૂમિકામાં અને કૅથલિક ચર્ચના ‘કેનન લો’ (ચર્ચનો કાયદો) ને આધીન કેસોને સંભાળવામાં બિશપને મદદ કરે છે. જ્યુડિશિયલ વિકાર, ટ્રિબ્યુનલ સ્ટાફ સાથે મળીને ન્યાયાધીશોની પેનલની અધ્યક્ષતા કરીને આ કેસોનો ફેંસલો કરે છે. મેલ્વિન પેરેસ આ ટ્રિબ્યુનલના સભ્ય નથી.
સતીશે જણાવ્યું કે બિશપે માતા-પિતાને વચન આપ્યું હતું કે કર્ણાટકના કૅથલિકો દ્વારા ઉજવવામાં આવતા લણણીના તહેવાર ‘મોંથી ફેસ્ટિવલ’ પછી તપાસ કરવામાં આવશે. “તેમણે તે વચન પૂરું કર્યું. લગભગ બે અઠવાડિયા સુધી બાળકો અને તેમનાં માતા-પિતાને વ્યક્તિગત રીતે અથવા બે-ત્રણના જૂથમાં તપાસ માટે બોલાવવામાં આવ્યાં હતાં. ફાધર સિપ્રિયનને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. છેલ્લે મળતી માહિતી મુજબ એક રિપોર્ટ વેટિકન મોકલવામાં આવ્યો હતો,” તેમ સતીશે કહ્યું હતું.
બીજી તરફ સ્ટેનલીએ જણાવ્યું કે ડાયોસિસે ફાધર સિપ્રિયનને વહીવટી રજા પર મોકલી દીધા હતા.
ચર્ચના પબ્લિક રિલેશન્સ ઓફિસર રોનાલ્ડ કેસ્ટેલિનોએ જણાવ્યું હતું કે, “હવે આ મામલો કાયદો અને વ્યવસ્થા સંભાળતી સંસ્થાઓના ક્ષેત્રાધિકાર હેઠળ છે અને આરોપીએ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હોવાથી મારા માટે ચોક્કસ આક્ષેપો પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને જોતાં તપાસ કે તેમાં સામેલ કોઈપણ પક્ષકાર પ્રત્યે પૂર્વગ્રહ કે અટકળો વિના કાનૂની પ્રક્રિયા આગળ વધવા દેવી મહત્ત્વપૂર્ણ છે. અમને વિશ્વાસ છે કે કાયદો તેનું કામ કરશે અને તમામ સંબંધિતોના કલ્યાણ, ગૌરવ અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને ન્યાય થશે.”
સરકારી તપાસ
બેંગલુરુસ્થિત કર્ણાટક બાળ સંરક્ષણ નિયામક કચેરીએ 31 ઓગસ્ટે દક્ષિણ કન્નડ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ (DCPU)ને પત્ર લખીને ફાધર સિપ્રિયન પિન્ટો સામેના આક્ષેપોની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો.
DCPUના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે બેંગલુરુના બાળ સંરક્ષણ નિયામક તરફથી પત્ર મળ્યા બાદ, DCPU એ 2 સપ્ટેમ્બરે મંગલુરુ સાઉથ પોલીસ સ્ટેશનને પત્ર લખીને તપાસ માટે વિનંતી કરી હતી.
“નિયામક કચેરી તરફથી અમને મળેલા પત્રમાં કોઈ પીડિતોનાં નામ ન હતાં. પત્ર સાથે જોડેલા ઈમેલમાં પણ કોઈ નામ ન હતાં. અમે ચર્ચમાં ગયા અને ત્યાંના લોકો સાથે વાત કરી પરંતુ તેના બદલે અમારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. અમે લોકોને અમારા નંબર આપ્યા અને સંપર્ક કરવા કહ્યું, પરંતુ પીડિતો કોણ હતા તે છોકરાઓ હતા કે છોકરીઓ તે અંગે પણ અમને કોઈ ખ્યાલ નહોતો.”
અધિકારીએ એ પણ ઉમેર્યું કે 22 સપ્ટેમ્બરે DCPUને પોતાને જ એક વ્યક્તિ તરફથી ઈમેલ મળ્યો હતો જેમાં બે લોકો વચ્ચેની વાતચીત મોકલવામાં આવી હતી પરંતુ તેમાં નંબર છુપાવવામાં આવ્યા હતા.
“તેમાં કથિત શોષણ અંગેની ચર્ચા હતી, પરંતુ તેમાં પણ કોઈ પીડિતોનાં નામ ન હતાં જેમનો અમે સંપર્ક કરી શકીએ. આ એક હાઈ-પ્રોફાઈલ કેસ હોવાથી અને લોકો આગળ આવતા ડરતા હોઈ શકે તે ધ્યાને રાખીને, અમે વળતો જવાબ આપીને જણાવ્યું કે લોકો અમારા લેન્ડલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે. પરંતુ તે પછી અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.”
તેમણે જણાવ્યું કે DCPUના પત્રના આધારે મંગલુરુ સાઉથ પોલીસે તપાસ કરી હતી અને ફાધર સિપ્રિયન સહિત સેન્ટ વિન્સેન્ટ ફેરર ચર્ચના ત્રણ પાદરીઓ સાથે વાતચીત કરી હતી. પોલીસે 15 સપ્ટેમ્બરે ત્રણેય પાદરીઓનાં નિવેદનો સહિતનો તપાસ અહેવાલ DCPUને સોંપ્યો હતો.
દરમિયાન સ્ટેનલીએ આ મામલે વ્યાપક તપાસની માંગ કરી છે. “પોલીસે તપાસ કરવી જોઈએ કે શું અહીં અન્ય પીડિતો પણ છે કે કેમ,” તેમ સ્ટેનલીએ કહ્યું હતું.
મંગલુરુ પોલીસ કમિશનર સુધીર કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાવવામાં કોઈ વિલંબ થયો હતો કે કેમ તેની પોલીસ તપાસ કરશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે FIR માં ઉલ્લેખ છે કે પોલીસમાં આ ફરિયાદ બિશપની સલાહ પર કરવામાં આવી હતી.


