નવી દિલ્હી, 26 ઓક્ટોબર 2026: દેશની હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં દર્દીઓ તેમજ તબીબી કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 2030 સુધીમાં દેશની તમામ સ્વાસ્થ્ય સેવામાંથી પારા ધારિત તબીબી ઉપકરણોને સંપૂર્ણપણે હટાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત થર્મોમીટર અને બ્લડ પ્રેશર માપવાના જૂના ઉપકરણોને બદલવામાં આવશે. આ કામગીરી માટે કેન્દ્ર સરકાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને રાજ્ય સરકારો સંયુક્તપણે કામ કરી રહી છે.
WHO દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ મુજબ, 14 રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા મૂલ્યાંકન દરમિયાન 27827 સ્વાસ્થ્ય કેન્દ્રોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં પારાવાળા કુલ 39528 ઉપકરણો બદલવાની આવશ્યકતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપકરણોમાં શરીરનું તાપમાન માપતા થર્મોમીટર તેમજ બીપી માપવાના સાધનોનો સમાવેશ થાય છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલોમાં દર્દીઓ અને સ્ટાફને પારાના ઝેરી સંપર્કથી બચાવવા અને જૂના ઉપકરણોનો સુરક્ષિત નિકાલ કરવાનો છે.
કેન્દ્ર સરકારના આ નિર્દેશ બાદ અત્યાર સુધીમાં 12 રાજ્યોએ તબક્કાવાર પારાવાળા ઉપકરણો હટાવવાના આદેશો જારી કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે તો વર્ષ 2007માં જ હોસ્પિટલોમાંથી પારા આધારિત મેડિકલ ઉપકરણો હટાવવાની જાહેરાત કરી દીધી હતી. હાલમાં દિલ્હી, પંજાબ, મણિપુર, સિક્કિમ, ગોવા, હરિયાણા, લદ્દાખ, ચંદીગઢ અને અંદમાન-નિકોબાર જેવા ક્ષેત્રોની જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં પારાવાળા ઉપકરણોનો ઉપયોગ પહેલેથી જ બંધ કરી દેવામાં આવ્યો છે.


