નવી દિલ્હી, 27 ઓક્ટોબર 2026: ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ દસ કેન્દ્રીય મંત્રાલયોના સચિવો, રેલવે બોર્ડના અધ્યક્ષ તથા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો/પ્રશાસકોને ‘કાર્યસ્થળ અને જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા’ અંગે એક એડવાઈઝરી જારી કરી છે.
એનએચઆરસી નોંધે છે કે મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટે કડક કાયદાઓ હોવા છતાં, કાર્યસ્થળો અને જાહેર સ્થળોએ તેમની સુરક્ષા ચિંતાનો વિષય બની રહી છે. ભારતમાં તાજેતરના સામયિક શ્રમ દળ ભાગીદારી સર્વેક્ષણ મુજબ, સપ્ટેમ્બર 2026 માં શ્રમ દળમાં મહિલાઓની ભાગીદારી 34.6% હતી. જોકે, 2026 માં પ્રકાશિત થયેલા તાજેતરના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ મુજબ, મહિલાઓ વિરુદ્ધના ગુનાના આશરે 4.4 લાખ કેસો પણ નોંધાયા હતા. આ આંકડા મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં સતત રહેલા પડકારો પર ભાર મૂકે છે અને સતત તથા સંગઠિત પ્રયાસોની જરૂરિયાતને રેખાંકિત કરે છે.
એનએચઆરસી સ્વીકારે છે કે મહિલાઓની સુરક્ષા એ ન્યાય અને સમાન તકો માટેના તેમના બંધારણીય અધિકારને સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે વધુમાં નોંધે છે કે કાર્યસ્થળો અને જાહેર સ્થળોએ સુરક્ષા એ મહિલાઓને શ્રમ દળમાં સંપૂર્ણ રીતે ભાગ લેવા અને તેમની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે એક આવશ્યક શરત છે.
રેલવે બોર્ડ ઉપરાંત, જે કેન્દ્રીય મંત્રાલયોને એડવાઇઝરી મોકલવામાં આવી છે તેમાં મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, ગૃહ બાબતો, માહિતી અને પ્રસારણ, શ્રમ અને રોજગાર, કોર્પોરેટ બાબતો, માર્ગ પરિવહન અને રાજમાર્ગ, આવાસ અને શહેરી બાબતો તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો સમાવેશ થાય છે.
NHRCની એડવાઇઝરી આઠ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં મહિલાઓની સુરક્ષા અને જાતીય સતામણીના વિષયો પર જાગૃતિ લાવવી, માળખાકીય સુવિધાઓ, પ્રત્યક્ષદર્શીઓની મધ્યસ્થતાને પ્રોત્સાહન આપવું, પોલીસની ભૂમિકા, પીડિત સહાય, મહિલાઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ, લાંબા ગાળાના સુધારા અને અન્ય પગલાંનો સમાવેશ થાય છે. વિગતવાર એડવાઇઝરી લિંક પરથી મેળવી શકાય છે.
NHRC તમામ સંબંધિત સત્તાધિશોને એડવાઇઝરીમાં આપેલી ભલામણોનો અમલ કરવા અને થયેલી પ્રગતિથી માહિતગાર રાખવા માટે બે મહિનાની અંદર એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવા વિનંતી કરે છે.


