મુંબઈ, 7 નવેમ્બર 2026: ભારતીય શેરબજાર માટે ચાલુ સપ્તાહ અતિ શાનદાર સાબિત થયું છે. દેશી શેરબજારોમાં સતત 5 કામકાજી દિવસો સુધી જોવા મળેલી આક્રમક લેવાલીના પગલે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 8 ટકાથી વધુનો સાપ્તાહિક ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે કારોબારના અંતે સેન્સેક્સ 81 હજાર અને નિફ્ટી 25 હજારની મહત્વપૂર્ણ સપાટી વટાવીને બંધ રહ્યા હતા. અગામી સમયમાં વૈશ્વિક રાજકીય ઘટનાક્રમ અને મધ્ય પૂર્વમાં તણાવ હળવો થવાની શક્યતાઓને પગલે રોકાણકારોનો આત્મવિશ્વાસ મજબૂત બન્યો હતો, જેની વ્યાપક અસર બજારમાં ચારેતરફી ખરીદી સ્વરૂપે જોવા મળી હતી.
ચાલુ સપ્તાહે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 6,568.49 પોઈન્ટ એટલે કે 8.82 ટકાના ઉછાળા સાથે શુક્રવારે 81,028.02 ની સપાટીએ બંધ રહ્યો હતો. વિશેષ વાત એ રહી કે સપ્તાહના તમામ પાંચેય દિવસોમાં સેન્સેક્સ ગ્રીન ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યો હતો. દૈનિક ધોરણે જોઈએ તો, સપ્તાહના પ્રારંભે સોમવારે સેન્સેક્સ 1.66 ટકા, મંગળવારે 1.62 ટકા અને બુધવારે 0.50 ટકા વધ્યો હતો. ત્યારબાદ ગુરુવારે 2.60 ટકા અને શુક્રવારે 2.17 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 ઈન્ડેક્સ પણ 1,977.25 પોઈન્ટ (8.58 ટકા) વધીને શુક્રવારે 25,030.35 ના સ્તરે બંધ આવ્યો હતો. બંને મુખ્ય સૂચકાંકોનું આ આંકડાકીય સ્તર ચાલુ વર્ષે 27 ફેબ્રુઆરી પછીનું સૌથી ઉંચુ બંધ સ્તર છે.
-
વૈશ્વિક પરિબળો અને ક્રૂડ તેલમાં ઘટાડાની સાનુકૂળ અસર
શેરબજારમાં આવેલી આ તેજી પાછળ આંતરરાષ્ટ્રીય રાજકીય ઘટનાક્રમ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. યુએસ મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની જીત અને અમેરિકી નીતિઓમાં સંભવિત ફેરફારોને પગલે પશ્ચિમ એશિયામાં સૈન્ય તણાવ ઓછો થવાની આશા વધી છે. મધ્ય પૂર્વમાં કટોકટી શરૂ થયા બાદ પ્રથમ વખત સેન્સેક્સ 81 હજાર અને નિફ્ટી 25 હજારની પાર પહોંચ્યા છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને પ્રતિ બેરલ 100 ડોલરથી નીચે આવી જતાં ભારતીય અર્થતંત્ર અને બજાર માટે મોટી રાહત સમાન સ્થિતિ સર્જાઈ છે.
-
મિડકેપ-સ્મોલકેપ અને સેક્ટર વાઈઝ દેખાવ
ચાલુ સપ્તાહ દરમિયાન મુખ્ય સૂચકાંકોની સરખામણીએ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પ્રમાણમાં ધીમી તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ-50 ઈન્ડેક્સ 5.91 ટકા અને નિફ્ટી સ્મોલકેપ-100 માં 2.77 ટકાનો વધારો થયો હતો. સેક્ટર ક્ષેત્રે NSEના ફાઈનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સમાં સૌથી વધુ 10.7 ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે સિમેન્ટ, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 10 ટકાથી વધુ મજબૂત થયા હતા. આ સિવાય ઓઈલ એન્ડ ગેસ (9.6%), ઓટો સેક્ટર (9.4%), પ્રાઈવેટ બેન્કિંગ (9.1%), મેટલ (7.6%) અને FMCG સેક્ટરમાં (7.3%) નો સુધારો નોંધાયો હતો.
-
M&M અને બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ તેજી, પાવરગ્રીડ અને ઈન્ફોસિસ ઘટ્યા
સેન્સેક્સની 30 મુખ્ય કંપનીઓમાંથી 28 કંપનીઓના શેરોમાં સાપ્તાહિક વધારો જોવા મળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 15.86 ટકાના ઉછાળા સાથે ટોપ ગેઈનર રહ્યો હતો. ત્યારબાદ બજાજ ફાઈનાન્સ (15.52%), એચડીએફસી બેન્ક (13.68%), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (13.28%), અલ્ટ્રાટેક સિમેન્ટ (12.62%) અને આઈસીઆઈસીઆઈ બેન્ક (12.55%) માં મોટો સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય ટાઈટન, ઈન્ડિગો, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ અને ટાટા સ્ટીલના શેરો 10 ટકાથી 12 ટકા સુધી ઉછળ્યા હતા. જોકે, બજારની આ ચોતરફી તેજી વચ્ચે બે દિગ્ગજ કંપનીઓના શેરમાં કડાકો જોવા મળ્યો હતો. પાવરગ્રીડનો શેર સપ્તાહ દરમિયાન 1.89 ટકા અને આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઈન્ફોસિસનો શેર 0.11 ટકા તૂટ્યો હતો. એકંદરે ભારતીય શેરબજાર માટે આ સપ્તાહ રોકાણકારો માટે ભારે નફાકારક પૂરવાર થયું છે.








