Homeગુજરાતીદેશ-વિદેશમોહમ્મદ શમીના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસને લઈ હસીન જહાંના આકરા પ્રહાર

મોહમ્મદ શમીના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસને લઈ હસીન જહાંના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને ઘાતક ઝડપી બોલર મોહમ્મદ શમીએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગત સહિત ચાહકોને ચોંકાવી દીધા છે. 6 નવેમ્બરના રોજ શમીએ સોશિયલ મીડિયા પર એક અશ્રુભીની પોસ્ટ અને વિડીયો શેર કરીને પોતાના ૧૧ વર્ષ લાંબા રેડ-બોલ ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યું હતું. પરંતુ તેમની આ નિવૃત્તિ બાદ એક નવો વિવાદ ઉભો થયો છે. શમીની પૂર્વ પત્ની હસીન જહાંએ આ નિર્ણય પર અત્યંત આકરા પ્રહારો કરતા તેને ખુદાનો કહેર ગણાવ્યો છે અને શમી પર પોતાની સાચી ઉંમર સંતાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સંવાદ ન્યૂઝ એજન્સી સાથે ફોન પર વાતચીત કરતી વખતે હસીન જહાંએ શમી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, “શમીએ ટેસ્ટ ક્રિકેટ પોતાની મરજીથી છોડ્યું નથી, પરંતુ તેના પર ખુદાનો કહેર તૂટી પડ્યો છે. સારા પ્રદર્શન અને ચાહકોની વાહવાહીના કારણે શમી પોતાને ખુદા સમજવા લાગ્યા હતા.” હસીન જહાંએ ઉમેર્યું કે માણસની સાચી ઓળખ તેની ઇન્સાનિયત (માનવતા)થી થાય છે, માત્ર શાનદાર ક્રિકેટ રમવાથી કે શોહરત મેળવવાથી કોઈ મહાન બની જતું નથી.

અંતરંગ વાતો ઉજાગર કરતા હસીન જહાંએ શમીની ઉંમર પર મોટો સવાલ ઊભો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે શમીનો વાસ્તવિક જન્મ ૧૯૮૨માં થયો છે, જ્યારે તેમના શૈક્ષણિક પ્રમાણપત્રોમાં જન્મનું વર્ષ ૧૯૯૦ દર્શાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, “ઉંમર કુદરતી રીતે વધે છે, કાગળોમાં દર્શાવેલા વર્ષો મુજબ નહીં. જો શમીની ઉંમર ઓછી હતી તો તેમણે અંડર-૧૯ ક્રિકેટ કેમ ન રમી અને ૨૨ વર્ષની ઉંમર પછી જ કેમ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું?”

હસીન જહાંના મતે જો શમીનું પ્રદર્શન ખરાબ હોત તો બોર્ડ (BCCI) દ્વારા તેને તક ન મળવી સમજી શકાય તેમ હતું, પરંતુ શાનદાર પ્રદર્શન છતાં તેમને ટેસ્ટ ટીમમાં યોગ્ય તવજ્જો આપવામાં આવતો નહતો, જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેમની વધતી ઉંમર કરિયર પર ભારી પડી રહી હતી. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, “કર્મના ફળથી કોઈ બચી શકતું નથી અને હવે શમીનું કર્મા શરૂ થઈ ગયું છે.” (જોકે, હસીન જહાંના આ આરોપોની કોઈ સ્વતંત્ર ચકાસણી કે પુષ્ટિ થઈ નથી). શમી સાથેના કૌટુંબિક વિવાદ વચ્ચે હસીન જહાંએ ફરી એકવાર શમીના પરિવારને પડકાર ફેંક્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો મોહમ્મદ શમી, તેમનો ભાઈ, ભાભી કે પરિવારનો કોઈ પણ સભ્ય ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરશે, તો તેઓ તેમની સામે ચૂંટણી લડશે અને પાછા પાની નહીં કરે.

વિડીયો શેર કરી ભાવુક થયા શમી

બીજી તરફ, અમરોહાના લાલ અને ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના ફાર્મ હાઉસ સ્થિત ગ્રાઉન્ડ પરથી ૨.૪૮ મિનિટનો એક ભાવુક વિડીયો શેર કરીને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લાખો ચાહકોએ તેમની પ્રતિક્રિયા આપી હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જસ્ટ થોડા જ કલાકોમાં ૭૨ હજારથી વધુ લોકોએ વિડીયોને લાઈક કર્યો હતો, જ્યારે હજારો ચાહકોએ ભાવુક કમેન્ટ્સ કરી હતી.

શમીએ પોતાના સંદેશમાં કહ્યું કે, “ભલે હું સફેદ જર્સીથી વિદાય લઈ રહ્યો છું, પણ તેની સાથે જોડાયેલી યાદો હંમેશા મારા દિલમાં અમર રહેશે. ટેસ્ટ ક્રિકેટ મારી જિંદગીનો અત્યંત ખાસ હિસ્સો રહ્યું છે.” તેમણે પોતાના આ લાંબા સફરમાં સાથ આપનાર સાથી ખેલાડીઓ, કોચ, પરિવાર અને કરોડો ચાહકોનો આભાર માન્યો હતો. આ સાથે જ શમીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ વન-ડે (ODI) અને ટી-૨૦ ફોર્મેટમાં ભારત માટે રમત ચાલુ રાખશે.

શમીની ટેસ્ટ કરિયર પર એક નજર:

ડેબ્યૂ: 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી.

કુલ મેચ: 64 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

કુલ વિકેટ: 229 ટેસ્ટ વિકેટ પોતાના નામે કરી.

શ્રેષ્ઠ પ્રદર્શન: એક ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ 6 વખત હાંસલ કરી.

વિદેશી ધરતી પર પ્રદર્શન: ભારત, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમેલી ૩૫ ટેસ્ટમાં ૨૫થી પણ ઓછી બોલિંગ સરેરાશથી 131 વિકેટ ઝડપી હતી.

શમીએ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) નો વિશેષ આભાર માનતા કહ્યું કે આ બંને સંસ્થાઓએ તેમની પ્રતિભા પર વિશ્વાસ મૂક્યો અને આગળ વધવાની તકો આપી. તેમણે ઉમેર્યું કે ભલે મેદાન પર તેમની છેલ્લી ટેસ્ટ બોલ ફેંકાઈ ચૂકી છે, પરંતુ દેશ માટે રમવાનું ગૌરવ તેમના દિલમાં હંમેશા જીવંત રહેશે.

શમીના આ નિર્ણય બાદ ક્રિકેટ જગતના દિગ્ગજો, માજી ખેલાડીઓ અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રી તેમજ કોચ બદરૂદ્દીન સહિત દેશભરના ક્રિકેટપ્રેમીઓ સોશિયલ મીડિયા પર તેમને શાનદાર ટેસ્ટ કરિયર માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img