નવી દિલ્હી:બાંગ્લાદેશની રાજધાની ઢાકાની ગરીબ બસ્ત્યોમાં ચીની નાગરિકો દ્વારા વિડીયો શૂટ કરી, તેને ચીની સોશિયલ મીડિયા પર ‘ભારત’ તરીકે દર્શાવીને ભારત વિરુદ્ધ સુઆયોજિત દૂષપ્રચાર (પ્રોપેગેન્ડા) ચલાવવામાં આવી રહ્યો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઢાકાના જાણીતા અખબાર ‘પ્રોથોમ આલો’ના તપાસ અહેવાલ મુજબ, આશરે 150 જેટલા ચીની નાગરિકો ઢાકાના અલગ-અલગ વિસ્તારમાં રહસ્યમય રીતે ફરતા રહીને સતત લાઈવસ્ટ્રીમિંગ કરી રહ્યા છે. તેઓ બાંગ્લાદેશના અત્યંત પછાત અને અસ્વચ્છ વિસ્તારોને ભારતની રાજધાની નવી દિલ્હીના વિસ્તારો ગણાવીને ભારતીયોના જીવનસ્તર અંગે અત્યંત અપમાનજનક અને આપત્તિજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે.
પ્રોથોમ આલોના 6 નવેમ્બરના રિપોર્ટ અનુસાર, આ ચીની નાગરિકો ઢાકાના ટેકપારા અને ઉત્તરા વિસ્તારની સાંકડી ગલીઓમાં હાઈટેક કેમેરા અને કૂલિંગ ફેનવાળા આઈફોન વડે કલાકો સુધી શૂટિંગ કરે છે. ત્યારબાદ આ વિડીયો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવાં કે વીચેટ, ડોયિન અને બિલીબિલી પર લાઈવ દર્શાવવામાં આવે છે. વિડીયો દરમિયાન બેકગ્રાઉન્ડમાં હિન્દી કે બાંગ્લા બોલાતા વિસ્તારોને દિલ્હી તરીકે ઓળખાવવામાં આવે છે.અખબારે ગુગલ ટ્રાન્સલેટ અને ચીની ભાષા જાણતા ચાર નિષ્ણાતોની મદદથી ટ્રાન્સક્રિપ્શન મેળવ્યું હતું. જેમાં ‘મિયાંમિયાં’ નામના એક ચીની વ્લોગરે લાઈવ દરમિયાન કહ્યું હતું કે, “આ ભારતની રાજધાની નવી દિલ્હી છે. અહીંના ઘરો અત્યંત ગંદા છે અને પતરાના છાપરામાં પંખા પણ નથી. આ સ્થળ ખૂબ પછાત છે અને અહીં કાયદો-વ્યવસ્થા કથળેલી છે.”જ્યારે ‘વાંગ વેઈ’ નામના અન્ય એક વ્લોગરે ગ્રાહકોની ચાનો વિડીયો બનાવી દાવા સાથે કહ્યું હતું કે, “જુઓ, આ લોકો જે ચા પી રહ્યા છે તે ગાયના પિશાબમાંથી બનેલી છે. અહીંના લોકો ગૌમૂત્રવાળી ચા પીવે છે.” આ સિવાય કેટલીક ચીની મહિલાઓ પોતાને ભારતમાં પરિણિત હોવાનો અને ભારતીય પરિવાર સાથે રહેતી હોવાનો ખોટો દાવો કરતી પણ જોવા મળી હતી.
આ ગેરમાર્ગે દોરતા વિડીયો સિવાય સ્થાનિક નિવાસીઓની પ્રાઇવસી (નિજતા) અને સંમતિનો ગંભીર મુદ્દો પણ સામે આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ ચીની વ્લોગર્સ પરવાનગી વગર લોકોના ઘરોમાં, રસોડામાં અને બાથરૂમ સુધી વિડીયો શૂટ કરવા પહોંચી જાય છે.આ કામગીરીમાં સહયોગ આપવા માટે ચીની નાગરિકો સ્થાનિક ગરીબ મહિલાઓને અને ગાઇડોને દૈનિક 500 થી 800 ટકા (બાંગ્લાદેશી ચલણ) ની લાલચ આપીને તેમની મદદ લે છે. સ્થાનિક રહાવાસીઓએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “અમે તેમની ભાષા સમજતા નથી. તેઓ છેલ્લા 4-3 મહિનાથી દરરોજ દુકાનો અને ગલીઓમાં વિડીયો બનાવે છે, પણ તેમનો અસલી હેતુ શું છે તેની અમને ખબર નથી.”મહિનાઓથી ચાલતા ખેલ પાછળ ષડયંત્રની આશંકા ઢાકાના અન્ય અખબારો ‘દ બિઝનેસ સ્ટાન્ડર્ડ’ (જેણે ૨૮ મેના રોજ રિપોર્ટ કર્યો હતો) અને ‘કલેર કંઠો’ (૬ જુલાઈના રિપોર્ટ) મુજબ પણ ઉત્તરા સેક્ટર-૧૨ અને ટેકપારા જેવા ગીચ વિસ્તારોમાં ચીની વ્લોગર્સની પ્રવૃત્તિઓ મહિનાઓથી ચાલી રહી છે. તેઓ વિડીયોના શીર્ષકમાં ‘ગરીબ’, ‘ગંદુ’ અને ‘ઝૂંપડપટ્ટી’ જેવા શબ્દો વાપરીને પોતાની જાતને દાનવીર તરીકે દર્શાવવાનો ડોળ કરે છે.
એક ચીની નાગરિકે દાવો કર્યો હતો કે તેઓ સામાનના પ્રમોશન માટે વિડીયો બનાવે છે, પરંતુ ગરીબ વિસ્તારો પસંદ કરવાનું કારણ આપવાનું ટાળ્યું હતું.ઉત્તરા વેસ્ટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે સ્વીકાર્યું છે કે પોલીસના ધ્યાને પણ ચીની નાગરિકો દ્વારા શૂટિંગ કરવાની બાબત આવી છે. જોકે, તેમની આ ગતિવિધિ પાછળનો મુખ્ય હેતુ શું છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યો નથી. આ મામલાની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપી દેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. તપાસકર્તાઓ અને નિષ્ણાતોમાં એ આશંકા પ્રબળ બની છે કે શું આ માત્ર સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવાની રમત છે કે પછી ચીની દર્શકો સમક્ષ ભારતની છબી ખરાબ કરવા માટે ચલાવવામાં આવી રહેલું કોઈ મોટું આંતરરાષ્ટ્રીય દૂષપ્રચાર ષડયંત્ર છે.








