નવી દિલ્હી: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે નવા પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર માટે અધિકૃત રીતે અરજી કરી છે. ઓગસ્ટ ૨૦૨૪માં થયેલા ભારે વિરોધ અને હિંસક જનઆંદોલન બાદ સત્તા ગુમાવ્યા પછી શેખ હસીના છેલ્લા બે વર્ષથી ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે. નવા પાસપોર્ટ માટે કરાયેલી આ અરજીને તેમની બાંગ્લાદેશ વાપસીની તૈયારીના એક અત્યંત મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી ‘એસોસિએટેડ પ્રેસ’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં શેખ હસીનાએ સ્પષ્ટ શબ્દોમાં દાવો કર્યો હતો કે તેઓ ડિસેમ્બરમાં ગમે તે ભોગે બાંગ્લાદેશ પરત ફરશે.
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, શેખ હસીનાના વકીલે નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશી રાજનૈયિક મિશનને એક સત્તાવાર ઈમેલ મોકલ્યો છે. આ ઈમેલમાં ટોચના રાજદ્વારીને શેખ હસીના માટે નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે.
શેખ હસીનાના સહયોગી અબુ ઓબૈદા અરીને જણાવ્યું હતું કે, “નવા દસ્તાવેજો માટે અરજી કરવી એ તેમની સ્વદેશ વાપસી તરફનું એક મોટું અને નિર્ણાયક કદમ છે. અગાઉની વચગાળાની સરકારે તેમના મૂળભૂત દસ્તાવેજો રદ કરી દીધા હતા. હવે તેઓ એક જવાબદાર બાંગ્લાદેશી નાગરિક તરીકે પોતાના મૌલિક અધિકારો અને દસ્તાવેજો પુનઃ પ્રાપ્ત કરવાની આશા રાખી રહ્યા છે.” અરીને વધુમાં ઉમેર્યું હતું કે હસીના ડિસેમ્બર સુધીમાં પોતાના વતન પરત ફરવા માટે સંપૂર્ણપણે દ્રઢ અને કટિબદ્ધ છે. (જોકે, આ બાબતે બાંગ્લાદેશની વર્તમાન સરકાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી).
બાંગ્લાદેશ સરકારે ભારત પાસે કરી પ્રત્યાર્પણની માગ
બીજી તરફ, બાંગ્લાદેશની વર્તમાન સરકાર શેખ હસીનાને પરત લાવવા માટે સતત ભારત સરકાર પર દબાણ બનાવી રહી છે. બાંગ્લાદેશના વિદેશ બાબતોના મંત્રી હુમાયૂં કબીરે ઢાકા ખાતે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, “અમારી સરકાર ભારત સાથે થયેલી પ્રત્યાર્પણ સંધિ હેઠળ શેખ હસીનાને પરત લાવવા માંગે છે. અમે માંગ કરીએ છીએ કે ભારત સરકાર હસીનાને અમને સોંપી દે. તેઓ એક ભાગેડુ અને આરોપી છે અને બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ અમલમાં છે.”
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં શરૂ થયેલા દેશવ્યાપી હિંસક વિરોધ પ્રદર્શન બાદ ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ શેખ હસીનાને દેશ અને વડાપ્રધાન પદ છોડવાની ફરજ પડી હતી. ત્યારથી તેઓ સુરક્ષાના કારણોસર ભારતમાં આશરો લઈ રહ્યા છે. હવે જ્યારે તેઓ બે વર્ષના નિર્વાસન બાદ ડિસેમ્બરમાં દેશમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે અને નવો પાસપોર્ટ મેળવવા અરજી કરી છે, ત્યારે બાંગ્લાદેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.








