Homeગુજરાતીદેશ-વિદેશશેખ હસીનાની બાંગ્લાદેશ વાપસી અંગે ભારતે મૂકી બે મોટી શરતો

શેખ હસીનાની બાંગ્લાદેશ વાપસી અંગે ભારતે મૂકી બે મોટી શરતો

નવી દિલ્હી, 14 નવેમ્બર 2026: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ અને તેમની વાપસીને લઈને ભારતે બાંગ્લાદેશની વર્તમાન તારિક રહેમાનની આગેવાની હેઠળની બીએનપી સરકાર સમક્ષ બે મહત્વપૂર્ણ શરતો મૂકી હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીબીસી બાંગ્લાના રિપોર્ટ મુજબ, હસીનાની વાપસીને લઈને બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવનો ઉકેલ લાવવા માટે ભારત પ્રયત્નશીલ છે. જોકે, આ બંને શરતોની સત્તાવાર રીતે સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણ એ સંપૂર્ણપણે કાનૂની બાબત છે અને તેના પર કાયદાકીય પ્રક્રિયા મુજબ જ નિર્ણય લેવામાં આવશે.

મીડિયા અહેવાલો અનુસાર, ભારતની પહેલી શરત શેખ હસીનાની સુરક્ષા સાથે જોડાયેલી છે. ભારત ઈચ્છે છે કે બાંગ્લાદેશની સેના શેખ હસીનાને સ્વદેશ પરત લઈ જવાની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે. આ માટે બાંગ્લાદેશી સેનાએ દિલ્હીમાં પોતાનું સૈન્ય વિમાન મોકલવું પડશે, જેના દ્વારા હસીનાને ઢાકા લઈ જવામાં આવે. આ ઉપરાંત, બીજો વિકલ્પ એ રાખવામાં આવ્યો છે કે સેના ભારત-બાંગ્લાદેશ સરહદ પર કોઈ નિર્ધારિત સ્થળેથી તેમને પોતાની સુરક્ષા હેઠળ લઈ જાય. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024 માં સત્તા ગુમાવ્યા બાદ શેખ હસીના સૈન્ય વિમાન દ્વારા જ ભારત આવ્યા હતા.

અહેવાલો મુજબ, ભારતની બીજી શરત હસીનાના કાનૂની અધિકારો અને સુરક્ષા અંગેની છે. ભારત ઈચ્છે છે કે બાંગ્લાદેશ સરકાર હસીનાને ફાંસીની સજા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવાની તક આપે. સાથે જ જુલાઈ 2024 ના આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓના મોત સાથે જોડાયેલા કેસમાં તેમની ફેર-સુનાવણી થાય અને તેમને પોતાનો પક્ષ રાખવાની પૂરતી તક મળે. નોંધનીય છે કે નવેમ્બર 2025 માં બાંગ્લાદેશની એક અદાલતે શેખ હસીનાની ગેરહાજરીમાં તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

  • પાસપોર્ટ વિવાદ અને બાંગ્લાદેશી નેતાઓના આક્ષેપો

શેખ હસીનાએ ડિસેમ્બર 2026 માં બાંગ્લાદેશ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આ માટે દિલ્હી સ્થિત બાંગ્લાદેશ દૂતાવાસ પાસેથી પોતાનો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર પરત માંગ્યા છે. જોકે, બાંગ્લાદેશ સરકારે તેમને પાસપોર્ટ આપવાનો ઇનકાર કરી દીધો છે. આ મુદ્દે બીએનપીના સંયુક્ત મહાસચિવ અને સાંસદ ખૈરુલ કબીર ખોકોને જણાવ્યું હતું કે હસીના પાસપોર્ટ માગીને દેશમાં અસ્થિરતા ઊભી કરવા માંગે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે હસીના પર માનવતા વિરુદ્ધના અપરાધ, અપહરણ અને હત્યા જેવા ગંભીર કેસો ચાલી રહ્યા છે અને હવે બાંગ્લાદેશના રાજકારણમાં તેમની વાપસીની કોઈ શક્યતા નથી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img