Homeગુજરાતીદેશ-વિદેશNEET પેપર લીક કેસ: કોર્ટે 14 આરોપીઓ સામે ઘડ્યા આરોપો, 25 નવે.થી...

NEET પેપર લીક કેસ: કોર્ટે 14 આરોપીઓ સામે ઘડ્યા આરોપો, 25 નવે.થી દરરોજ ચાલશે ટ્રાયલ

નવી દિલ્હી, 18 નવેમ્બર 2026: NEET UG 2026 પેપર લીક કૌભાંડમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે એક મોટો નિર્ણય સંભળાવતા 14 આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત આરોપો (ક્રિમિનલ ચાર્જ) ઘડવાનો આદેશ આપ્યો છે. ફાસ્ટ-ટ્રેક કોર્ટના સ્પેશિયલ જજ અજય ગુપ્તાએ તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને જાહેર પરીક્ષા (અન્યાયી માધ્યમોની રોકથામ) અધિનિયમ, ૨૦૨૪ હેઠળ આરોપો નક્કી કર્યા છે.

કોર્ટે આ કેસનો ઝડપી નિકાલ લાવવા માટે આગામી 25 નવેમ્બરથી ‘ડે-ટુ-ડે’ (દરરોજ) ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, CBI એ આ મામલે અંદાજે 20 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં CBI એ ખુલાસો કર્યો હતો કે, ત્રણ સબ્જેક્ટ એક્સપર્ટ્સે અલગ-અલગ રીતે દિલ્હી સ્થિત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ઓફિસમાંથી NEET પરીક્ષાના પ્રશ્નો લીક કર્યા હતા. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, કોન્ફિડેન્શિયલ સેક્શનમાંથી બહાર નીકળતી વખતે તેમની તપાસ ન લેવાઈ હોવાથી આરોપીઓ પેપર બહાર લાવવામાં સફળ રહ્યા હતા. કોર્ટે યશ યાદવ, માંગીલાલ બિવાલ, દિનેશ બિવાલ, વિકાસ બિવાલ, શુભમ ખૈરનાર, ધનંજય લોખંડે, પ્રહલાદ કુલકર્ણી, તેજસ હર્ષદ કુમાર, ડૉ. મનોજ શિરુરે, શિવરાજ રઘુનાથ મોટેગાંવકર, મનીષા વાઘમારે, મનીષા મંધારે, મનીષા સંજય હવાલદાર અને શેષરાવ બજરંગ સૂર્યવંશી સહિત કુલ 14 આરોપીઓ સામે આરોપો નક્કી કર્યા છે.

  • કેસની તપાસનો ઘટનાક્રમ અને CBI ના પુરાવા

તપાસનો વ્યાપ: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદ બાદ CBI એ 12 મેના રોજ કેસ નોંધ્યો હતો અને ૧૩ મેના રોજ પ્રથમ ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસનો રેલો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા સુધી પહોંચ્યો હતો.
બે ચાર્જશીટ દાખલ: CBI એ 28 જુલાઈએ દાખલ કરેલી પ્રથમ ચાર્જશીટમાં 13 આરોપીઓના નામ આપ્યા હતા, જેમાં NTA સાથે જોડાયેલા 3 સબ્જેક્ટ એક્સપર્ટ, કોચિંગ સંસ્થાઓના 2 સંચાલકો અને વચેટિયાઓ સામેલ હતા. ત્યારબાદ 14 ઓક્ટોબરે મહારાષ્ટ્રના ચા વિક્રેતા શેષરાવ બજરંગ સૂર્યવંશી ઉર્ફે રાજ સૂર્યવંશી વિરુદ્ધ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરાઈ હતી.
સરકારી અધિકારી આરોપી નહીં: CBI એ આ કેસમાં 360 સાક્ષીઓ, 422 દસ્તાવેજો અને 43 અન્ય મહત્વના પુરાવા રજૂ કર્યા છે. જોકે, અત્યાર સુધી CBI એ કોઈ પણ સરકારી અધિકારી કે NTA ના પદાધિકારીને આરોપી બનાવ્યા નથી. એજન્સીનું માનવું છે કે સબ્જેક્ટ એક્સપર્ટ અને ખાનગી લોકોના નેટવર્કે મળીને આ સમગ્ર કાવતરું ઘડ્યું હતું.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img