નવી દિલ્હી, 19 નવેમ્બર 2026: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે એક પોડકાસ્ટમાં અમેરિકી તપાસ એજન્સી FBIના પૂર્વ એજન્ટ કામરાન ફરીદીએ અનેક સનસનીખેજ દાવા કર્યા છે. તેમણે દાઉદના પાકિસ્તાનમાં છુપાવાના ઠેકાણા, તેની સુરક્ષા વ્યવસ્થા, ISI સાથેના કથિત સંબંધો અને અંગત જીવન વિશે ખુલીને વાત કરી છે. કામરાન ફરીદીના દાવા મુજબ, દાઉદ હજુ પણ પાકિસ્તાનમાં સંપૂર્ણપણે સક્રિય છે, ન તો તે નબળો પડ્યો છે અને ન તો તેની ગતિવિધિઓ બંધ થઈ છે.
કામરાન ફરીદીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં દાઉદના ત્રણ ઠેકાણા હોવાની માહિતી છે. જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે, ત્યારે દાઉદ તરત જ પોતાનું ઠેકાણું બદલી નાખે છે. તેમણે દાવો કર્યો હતો કે દાઉદ દિવસ દરમિયાન કરાચીના રસ્તાઓ પર નીકળતો નથી અને મોટાભાગે રાત્રે જ બહાર જાય છે. તેની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG)ના કમાન્ડો સંભાળે છે, જ્યારે દાઉદનો નજીકનો સાથી છોટા શકીલ સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખે છે. કામરાને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, છોટા શકીલ દર શુક્રવારે ISI મુખ્યાલયે જઈને સુરક્ષા સંબંધિત રિપોર્ટ આપે છે. દાઉદ અને છોટા શકીલ પાસે દુબઈથી મંગાવેલી બુલેટપ્રૂફ કારો પણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
જાબિર મોતીવાલા કેસ અને પાકિસ્તાનમાં ધરપકડનો કિસ્સો
પૂર્વ FBI એજન્ટે 2018માં લંડનમાં દાઉદના નજીકના ગણાતા જાબિર મોતીવાલાની ધરપકડનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમાં તેમની મહત્વની ભૂમિકા હતી. તેમના મતે, FBIનો હેતુ જાબિરને અમેરિકા લઈ જઈ દાઉદ ઈબ્રાહિમ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા વચ્ચેના કથિત નાણાકીય જોડાણને સાબિત કરવાનો હતો, જેના માટે અમેરિકી કોર્ટમાં તેમની જુબાની જરૂરી હતી. જોકે, પાકિસ્તાનમાં રહેતા પોતાના પરિવારને દાઉદ અને ISIથી ખતરો હોવાના ડરે તેમણે જુબાની આપવાનો ઈનકાર કર્યો હતો, જેનો લાભ લઈ જાબિર પાકિસ્તાન પરત ફરવામાં સફળ રહ્યો હતો. કામરાનના દાવા મુજબ, ત્યારબાદ જ્યારે તેઓ પોતાની અમેરિકી પત્ની સાથે પાકિસ્તાન ગયા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી અને મહિનાઓ સુધી જેલમાં રખાયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ કાર્યવાહીમાં દાઉદ અને જાબિરે ISIની મદદ લીધી હતી, પરંતુ અમેરિકી નાગરિકતા હોવાને કારણે તેમનો જીવ બચી શક્યો હતો.
અંગત જીવન, ડ્રગ્સ નેટવર્ક અને ‘ઈસ્લામ બાબા’ની ભૂમિકા
દાઉદની અંગત જીવનશૈલી અંગે વાત કરતા કામરાને દાવો કર્યો કે દાઉદે પોતાના કરતા ઘણી નાની ઉંમરની યુવતી સાથે બીજા લગ્ન કર્યા છે. તે પોતાને ધાર્મિક બતાવે છે, પરંતુ વાસ્તવિક જીવનશૈલી અલગ છે. તેમણે આક્ષેપ કર્યો કે દાઉદને પાર્ટીઓ અને મુજરાનો શોખ છે, તે કોકેઈનનો નશો કરે છે અને તેનું નેટવર્ક ભારત-પાકિસ્તાનમાં ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલું છે. આ ઉપરાંત કામરાને જણાવ્યું હતું કે દાઉદ મુંબઈથી ‘ઈસ્લામ બાબા’ નામના ફકીરને પાકિસ્તાન લઈ ગયો હતો અને ગેંગના સભ્યો કોઈ મોટું કામ કરતા પહેલા તેમની મંજૂરી લેતા હતા. તેમણે એમ પણ કહ્યું કે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપી ટાઈગર મેમન પણ પાકિસ્તાનમાં રહીને પોતાનો કારોબાર સંભાળી રહ્યો છે.








