Homeગુજરાતીદેશ-વિદેશયુટ્યુબર ધ્રુવ રાઠીની મુશ્કેલીઓ વધી, માનહાનિ કેસમાં કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું

યુટ્યુબર ધ્રુવ રાઠીની મુશ્કેલીઓ વધી, માનહાનિ કેસમાં કોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું

નવી દિલ્હી, 23 નવેમ્બર 2026: યુટ્યુબર ધ્રુવ રાઠીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હીની સાકેત કોર્ટે તેમની સામે આઠ વર્ષ જૂના ફોજદારી માનહાનિના કેસમાં બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. અદાલતમાં હાજર ન રહેવા અને અગાઉ જારી કરાયેલા જામીનપાત્ર વોરંટની બજવણી ન થઈ શકવાના કારણે કોર્ટે આ કડક પગલું ભર્યું છે. આ મામલે આગામી સુનાવણી હવે 3 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. અગાઉ 17 ઓક્ટોબર 2026ના રોજ સાકેત કોર્ટે ધ્રુવ રાઠી સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આ કેસમાં સાકેત કોર્ટને માહિતી આપવામાં આવી હતી કે સમન્સની બજવણી કરાવવા માટે જ્યારે પ્રોસેસ સર્વર તેમના ગુરુગ્રામ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે ત્યાં તાળું લાગેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ કોર્ટે તેમની હાજરી સુનિશ્ચિત કરવા માટે 31 ઓક્ટોબરના રોજ ફરીથી જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જોકે, આ વોરંટની પણ બજવણી થઈ શકી ન હતી. આખરે 23 નવેમ્બરના રોજ અદાલતે તેમની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરી દીધું છે.

ધ્રુવ રાઠી સામેનો આ ફોજદારી માનહાનિનો કેસ વર્ષ 2018માં દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી વિકાસ સાંક્રિત્યાયન ઉર્ફે વિકાસ પાંડેની આ ફરિયાદ ધ્રુવ રાઠીની યુટ્યુબ ચેનલ પર મે 2018માં અપલોડ કરાયેલા ‘બીજેપી આઈટી સેલ પાર્ટ-2’ વીડિયો સાથે જોડાયેલી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે આ વીડિયોમાં ધ્રુવ રાઠીએ તેમના વિશે એવા દાવા કર્યા હતા, જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. વીડિયોમાં કથિત રીતે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ આઈટી સેલના લોકોએ વિકાસ પાંડેને ધ્રુવ રાઠી વિરુદ્ધ અભિયાન ચલાવવા અને તેમને બદનામ કરવા માટે નાણાં આપવાનો પ્રયાસ કર્યો હતો. વિકાસ પાંડેએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફોજદારી માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ધ્રુવ રાઠી ઉપરાંત સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરનાર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પણ કરવામાં આવી હતી.

  • કેસની સુનાવણી 3 ડિસેમ્બરે યોજાશે

આ કેસમાં અદાલતે ધ્રુવ રાઠીને સૌપ્રથમ 23 જુલાઈ 2019ના રોજ સમન્સ જારી કર્યું હતું. જોકે, લાંબા સમય સુધી સમન્સની બજવણી થઈ શકી ન હતી. ફરિયાદી પક્ષ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે ધ્રુવ રાઠી સામાન્ય રીતે વિદેશમાં રહે છે, જેના કારણે તેમને સમન્સ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. ઓક્ટોબર 2026માં ફરિયાદી દ્વારા ઝડપી સુનાવણી અને સમન્સની બજવણી કરાવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 12 ઓક્ટોબરના રોજ કોર્ટે ધ્રુવ રાઠીના ગુરુગ્રામ સ્થિત સરનામે નવું સમન્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ફરિયાદીને પ્રોસેસ સર્વર સાથે જવાની મંજૂરી પણ આપી હતી, જેથી સમન્સની બજવણી થઈ શકે. 17 ઓક્ટોબરના રોજ સમન્સની બજવણી ન થતાં કોર્ટે જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું અને 31 ઓક્ટોબરે પણ વોરંટની બજવણી ન થતાં નવું વોરંટ જારી કરાયું હતું. હવે 23 નવેમ્બરે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.

આ વિવાદમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું નામ પણ સામે આવ્યું હતું. તેમણે ધ્રુવ રાઠીના તે વીડિયોને સોશિયલ મીડિયા પર રીટ્વીટ કર્યો હતો, જેના પગલે વિકાસ પાંડેએ તેમની વિરુદ્ધ પણ માનહાનિની કાર્યવાહી શરૂ કરી હતી. ફેબ્રુઆરી 2024માં અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં વીડિયો રીટ્વીટ કરવાને ભૂલ ગણાવી હતી. કેજરીવાલ સંબંધિત કાર્યવાહી અને ધ્રુવ રાઠી સામે ચાલી રહેલો કેસ અલગ-અલગ કાનૂની પ્રક્રિયાઓ છે. હાલ ધ્રુવ રાઠી સામેની ફોજદારી માનહાનિની ફરિયાદ પર સાકેત કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને હવે આગામી સુનાવણી 3 ડિસેમ્બરે થશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img