Homeગુજરાતીગુજરાતરાજ્યમાં ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી તા. 30 નવેમ્બરથી શરૂ થશે

રાજ્યમાં ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી તા. 30 નવેમ્બરથી શરૂ થશે

ગાંધીનગર, 24 નવેમ્બર 2026: ખેડૂતોના આર્થિક હિતોના રક્ષણ અને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૬થી ખરીફ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર ૫૫૦ કિ.ગ્રા. (૨૭.૫ મણ) અને ખેડૂત દીઠ મહત્તમ ૨,૫૦૦ કિ.ગ્રા. (૧૨૫ મણ) સુધી ખરીફ મગની ખરીદી કરવામાં આવશે.

વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારત સરકાર દ્વારા ખરીફ મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૭૮૦ પ્રતિ ક્વિન્ટલ (૧,૭૫૬ પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યની વિવિધ APMC ખાતે ખરીફ મગનો બજાર ભાવ સરેરાશ રૂ. ૮,૧૯૦ પ્રતિ ક્વિન્ટલ (૧,૬૩૮ પ્રતિ મણ) ચાલી રહ્યો છે, જે નિયત ટેકાના ભાવ કરતા ઓછો હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય તે માટે ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે.

ભારત સરકારના “પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ આશા યોજના)”ની માર્ગદર્શિકા મુજબ સમગ્ર ખરીદી હાથ ધરાશે. ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલા ખેડૂતોને SMS મળ્યેથી તેમને ફાળવવામાં આવેલા ખરીદ કેન્દ્ર ખાતે નિયત ધોરણ મુજબના જથ્થા સાથે હાજર રહી યોજનાનો લાભ લેવાનો રહેશે. ખરીદી સામેની રકમ સીધી ખેડૂતોના આધાર સીડેડ બેંક ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવશે.

ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય તે માટે તમામ ખેડૂતોએ પોતાના બેંક ખાતા ફરજિયાત આધાર સીડીંગ કરાવીને એક્ટિવ રાખવા કૃષિ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ પીએમ આશા યોજના હેઠળ સમાવિષ્ટ અન્ય ખરીફ પાકોના સરેરાશ બજાર ભાવ નિયત ટેકાના ભાવ કરતા વધુ ચાલી રહ્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img