Homeગુજરાતીદેશ-વિદેશઝારખંડમાં અફીણની ગેરકાયદેસર ખેતી સામે સર્જિકલ સ્ટ્રાઈક: સેટેલાઇટ તસવીરોની લેવાશે મદદ

ઝારખંડમાં અફીણની ગેરકાયદેસર ખેતી સામે સર્જિકલ સ્ટ્રાઈક: સેટેલાઇટ તસવીરોની લેવાશે મદદ

રાંચી, 27 નવેમ્બર 2026: ઝારખંડમાં અફીણની ગેરકાયદેસર ખેતી પર સંપૂર્ણ અંકુશ લગાવવા માટે પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રાજ્યના 11 જિલ્લાઓમાં વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત અંતરિયાળ પહાડી અને ગાઢ જંગલ વિસ્તારોમાં છૂપી રીતે થતી અફીણની ખેતીને શોધી કાઢવા માટે પ્રથમ વખત સેટેલાઇટ તસવીરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક ટેકનોલોજી, કડક પોલીસ કાર્યવાહી અને જનજાગૃતિ દ્વારા ગેરકાયદેસર અફીણની ખેતીને જડમૂળથી નાબૂદ કરવાનો છે. રાજ્યના રાંચી, ખૂંટી, ચતરા, પલામૂ, લાતેહાર, હજારીબાગ અને પશ્ચિમ સિંહભૂમ સહિતના 11 સંવેદનશીલ જિલ્લાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

એનસીબી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સેટેલાઇટ તસવીરોની મદદથી શંકાસ્પદ સ્થળોની ઓળખ કરવામાં આવશે અને તે ડેટા જે-તે જિલ્લાની પોલીસ સાથે શેર કરાશે. ત્યારબાદ પોલીસની વિશેષ ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરશે અને ગેરકાયદેસર પાકનો નાશ કરશે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારના ‘નાર્કોટિક્સ કંટ્રોલ વિઝન ડોક્યુમેન્ટ 2026-2029’ હેઠળ ચાલી રહેલા આ મિશનનો લક્ષ્યાંક ડિસેમ્બર 2027 સુધીમાં સમગ્ર દેશમાંથી અફીણની ગેરકાયદેસર ખેતીને સંપૂર્ણપણે ખતમ કરવાનો છે.

કાયદાકીય કાર્યવાહીની સાથે ગ્રામીણોને જાગૃત કરવા માટે રાંચી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે વિશેષ પહેલ કરી છે. આ માટે આઠ જાગૃતિ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે, જે આગામી એક મહિના સુધી વિવિધ ગામડાઓમાં ફરીને લોકોને જાગૃત કરશે. આ વાહનોમાં એલઈડી સ્ક્રીન, લાઉડસ્પીકર અને શેરી નાટકો દ્વારા અફીણની ખેતીથી થતા નુકસાન અને નશીલા પદાર્થો સંબંધિત કડક કાયદાકીય જોગવાઈઓની માહિતી આપવામાં આવશે.

વહીવટીતંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે અફીણની ગેરકાયદેસર ખેતી કરવી કે તેના માટે અન્ય કોઈ વ્યક્તિને જમીન ઉપલબ્ધ કરાવવી એ એનડીપીએસ અધિનિયમ હેઠળ ગંભીર અપરાધ છે, જેમાં કડક સજા અને ભારે દંડની જોગવાઈ છે. તંત્રએ ગ્રામીણોને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ પોલીસને કરવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img