
ભારત બંધનું એલાનઃ ગુજરાતમાં પેટ્રોલપંપ રહેશે ચાલુ
અમદાવાદઃ કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન તા. 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધને ગુજરાતના ખેડૂતો અને વડોદરાના વેપારીઓએ સમર્થન આપ્યું છે. જો કે, બંધ દરમિયાન રાજ્યના તમામ પેટ્રોલપંપ ખુલ્લા રાખવાનો નિર્ણય ગુજરાત પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.
પેટ્રોલપંપ એસો.ના આગેવાન અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર 8મી ડિસેમ્બરના રોજ ખેડૂતોએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધને સમર્થન મુદ્દે દેશના પેટ્રોલપંપ એસો. દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી. તેમજ આંદોલનમાં જોડાવવા માટે પણ કોઈ અપીલ કરવામાં આવી નથી. જેથી ભારત બંધના દિવસે રાજ્યના તમામ પેટ્રોલપંપ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત બંધના એલાનને ગુજરાતના ખેડૂતોએ સમર્થન આપ્યું છે. તેમજ આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના કાયદાના વિરોધમાં સરકારને રજૂઆત કરવા અને વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં વડોદરાના અનાજ-કઠોળના વેપારીઓએ બંધને સમર્થન આપ્યું છે.