 
                                    કર્ણાટકમાં બેંગાલુરુ ખાતે બુધવારથી શરૂ થઈ રહેલા એર શૉ પહેલા મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં યેલહાંકા એરપોર્ટ પર એર શૉ માટે ચાલી રહેલા રિહર્સલ દરમિયાન બે સૂર્યકિરણ ટીમના બે હૉક વિમાન પરસ્પર ટકરાયા હતા. વાયુસેનાના બંને વિમાનોના પાયલટ સુરક્ષિત છે. મહત્વપૂર્ણ છે કે બંને એરક્રાફ્ટ રિહર્સલ દરમિયાન ઉડાણ ભરી રહ્યા હતા. પરંતુ જ્યારે આકાશમાં પહોંચ્યા, તો તેઓ પરસ્પર ટકરાઈ ગયા હતા. ટક્કર બાદ બંને વિમાનોમાં આગ લાગી હતી.

દુર્ઘટના બાદ જાહેર થયેલા બેંગલુરુ પોલીસના નિવેદન મુજબ, આ દુર્ઘટનામાં એક નાગરિકના ઘાયલ થવાના અહેવાલ છે. બંને પાયલટને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ બંને વિમાનો યેલહાંકા ન્યૂ ટાઉન એરિયા પાસે પડયા હતા.
સૂર્યકિરણ વિમાનની લાક્ષણિકતા
ફેબ્રુઆરી-2015માં ફરીવાર એર શોમાં સામેલ થયા હતા
વિમાનની ઝડપ 450થી 500 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે
એચએએલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે સૂર્યકિરણ વિમાન
22 મે-1996ના રોજ સૂર્યકિરણ ટીમની રચના કરવામાં આવી હતી
સૂર્યકિરણે શ્રીલંકાથી સિંગાપુર સુધીના 450 એર શૉમાં પણ ભાગ લીધો છે
એરો ઈન્ડિયા 2011માં સૂર્ય કિરણે આખરી ઉડાણ ભરી હતી

પાંચ દિવસ ચાલશે એર શૉ
દ્વિવાર્ષિક એર શૉ એરો ઈન્ડિયા 2019નું આયોજન 20મી ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી દરમિયાન બેંગલુરુ ખાતે થઈ રહ્યું છે. આ પાંચ દિવસીય એર શૉનું આયોજન ભારતીય વાયુસેનાના યેલહાંકા એરપોર્ટ પર કરવામાં આવશે. આ એર શૉમાં વૈશ્વિક અને ભારતીય એરોસ્પેસની તકનીકો અને ઉત્પાદનોને રજૂ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે આના સંદર્ભે આ એર શૉ પર એટલા માટે પણ સૌની નજરો ટકેલી છે, કારણ કે આ વખતે રફાલ યુદ્ધવિમાનોનું પણ એર શૉમાં પ્રદર્શન થવાનું છે. રફાલ યુદ્ધવિમાનને લઈને તાજેતરમાં ભારતમાં રાજનીતિ ચરમસીમા પર હતી. તેમ છતાં વાયુસેનાનું કહેવું છેકે રફાલ તેમના માટે જરૂરી છે. તેવામાં જ્યારે એર શૉ દરમિયાન અહીં રફાલ યુદ્ધવિમાન ઉડાણ ભરશે, તો દરેકની નજર તેના ઉપર ટકેલી રહેશે.
પહેલા ચર્ચાઓ હતી કે આ વખતે એર શૉનું આયોજન બેંગલુરુના સ્થાને ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં આયોજીત કરવામાં આવશે. પરંતુ કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવેલા વાંધા બાદ તેને બેંગલુરુ ખાતે આયોજીત કરવામાં આવ્યો છે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

