Site icon Revoi.in

સુરતમાં રેશમા ચોકડી પાસે રોંગ સાઈડમાં ટ્રકે 12 વર્ષના બાળકને અડફેટે લેતા મોત

Social Share

સુરત, 9 માર્ચ 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના પૂણા વિસ્તારમાં રેશમા ચોકડી પાસે સર્જાયો હતો, 12 વર્ષનો બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાં પૂરઝડપે આવેલી આઈસર ટ્રકે બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

  સુરત શહેરના પુણાગામની રેશમા ચોકડી નજીક 12 વર્ષીય સની ભરતભાઈ રાજાણી પરિવાર સાથે રહે છે. રેશમા ચોકડી પાસે 12 વર્ષીય સની રાજાણી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવેલા આઈસર ટ્રકે સની રાજાણીને અડફેટે લીધો હતો. અને સની પર આઈસરનું તોતિંગ પૈડું ફરી વળતા ગંભીર ઈજાઓને કારણે બાળકનું પ્રાણપંખેરું ઘટનાસ્થળે જ ઊડી ગયું હતું. અકસ્માત સર્જીને ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા આઈસરના ડ્રાઈવરને જાગૃત સ્થાનિકોએ ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો હતો. દીકરા સમાન બાળકની લાશ જોઈ રોષે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ બાળકના પરિવારજનો દોડી આવ્યા હતા. પોતાના વ્હાલસોયા પુત્રનો લોહીલુહાણ દેહ જોઈને માતા સહિતના પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. આ વિસ્તારમાં માતમ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા જ પુણાગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે આઈસર ડ્રાઈવરની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Exit mobile version