Site icon Revoi.in

અમદાવાદ–ધોલેરા વચ્ચે બનશે 134 કિમી લાંબો બ્રોડગેજ સેમી હાઈ-સ્પીડ કોરિડોર

Social Share

ગાંધીનગર, 15 મે 2026: Broad gauge semi high-speed corridor will be built between Ahmedabad and Dholera. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રિમંડળીય સમિતિ (CCEA) એ ગુજરાતને દેશનો પ્રથમ બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર આપતાં અમદાવાદ (સરખેજ)– ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે. અંદાજે ₹20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હશે, જેમાં ભવિષ્યમાં નમો ભારત ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.

લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ, ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR), આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક તથા લોથલ ખાતે આવેલા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને આધુનિક રેલ કનેક્ટિવિટી આપશે. પ્રોજેક્ટની ડિઝાઇન ગતિ 220 કિમી પ્રતિ કલાક અને પરિચાલન ગતિ 200 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ 3 મેગા બ્રિજ, 74 કિલોમીટર વાયાડક્ટ, 39 રોડ અંડર બ્રિજ અને 2 રેલ ઓવર રેલ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. કુલ ટ્રેક લંબાઈ અંદાજે 293 કિલોમીટર રહેશે. પ્રોજેક્ટને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

રેલ મંત્રી  અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, અમદાવાદ–ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ ભારતના રેલવે ઇતિહાસમાં નવી શરૂઆત છે. આ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ‘ન્યૂ ઈન્ડિયા’ની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતિક છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલવે આત્મનિર્ભર ભારતના વિઝનને નવી ગતિ આપી રહ્યું છે. સ્વદેશી ટેકનોલોજી આધારિત આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સમગ્ર દેશમાં સેમી હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણનો આધાર બનશે.”

ગુજરાત સરકારના મુખ્ય સચિવ  મનોજ કુમાર દાસે જણાવ્યું કે, ‘સરખેજ–ધોલેરા સેમી હાઈ સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટ’ ધોલેરાના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના પરિણામે મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો થશે, જેમાં સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનું અંતર માત્ર 48 મિનિટમાં અને સરખેજથી ધોલેરા એરપોર્ટ સુધીનો સમય માત્ર 38 મિનિટમાં કાપી શકાશે. આ આધુનિક રેલ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તેમાં ઐતિહાસિક અને પ્રવાસી મહત્વ ધરાવતા લોથલને પણ કનેક્ટ કરવામાં આવ્યું છે, જે સાંસ્કૃતિક વારસાને વેગ આપશે.

મુખ્ય સચિવએ વધુ વિગતો આપતા કહ્યું કે, આ પ્રોજેક્ટ ધોલેરા સ્માર્ટ સિટીના સર્વાંગી વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.આ પ્રોજેક્ટના નિર્માણથી ધોલેરાને 360 ડિગ્રી કનેક્ટિવિટી મળશે, જે એર, રોડ, રેલ અને પોર્ટ એમ ચારેય માધ્યમોને એકબીજા સાથે મજબૂતીથી જોડશે. આ મલ્ટિમોડલ કનેક્ટિવિટીના પરિણામે માત્ર મુસાફરોની અવરજવર જ સરળ નહીં બને, પરંતુ ઉદ્યોગો અને વ્યાપારને પણ મોટો વેગ મળશે, જેનાથી ધોલેરા ગ્લોબલ હબ તરીકે ઉભરી આવશે. ભવિષ્યમાં જેમ જરૂર જણાશે તેમ વધુ વિકાસ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગર ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી  મમતા વર્મા, ધોલેરા-SIR ના સીઇઓ  કુલદીપ આર્ય સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version