દહેગામ, 25 મે, 2026 : A baby monkey got its mouth stuck in a pot ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં એક વાનરના બચ્ચાનું મોં તાંબાના લોટામાં ફસાયુ હતું. અને વાનરનું બચ્ચુ ઉછળ-કૂદ કરવા લાગ્યુ હતું. સ્થાનિક લોકો વાનરના બચ્ચાને પકડવા પ્રયાસો કરતા હતા. પણ વાનરનું બચ્ચુ પકડાતું નહતું. લોટામાં મોં ફસાયેલું હોવાથી બચ્ચું ખાઈ-પી શકતું નહોતું અને ગામમાં ભટકતું જોવા મળતું હતું. આથી ગામના સેવાભાવી યુવાનોએ વન વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગ અને સેવાભાવી સંસ્થાઓની ટીમે ત્રણ દિવસના ઓપરેશન બાદ બચ્ચાનું મોં લોટામાંથી કાઢીને બચ્ચાને તેની માતા સાથે મિલન કરાવીને સુરક્ષિત રીતે મુક્ત કર્યું હતું.
દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં વાંદરાના બચ્ચાના મોંમાં તાંબાનું લોટું ફસાઈ જતાં તે ઘણા દિવસોથી પીડામાં હતું. પાણીના લોટામાં વાનરના બચ્ચાનું મોં ફસાયેલું હોવાથી બચ્ચું ખાઈ-પી શકતું નહોતું અને ગામમાં ભટકતું જોવા મળતું હતું. ગામલોકોએ આ અંગે સૌપ્રથમ ઉમ્મીદ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ ધીરજ મહેશ્વરીને જાણ કરી હતી. ધીરજ મહેશ્વરીએ તાત્કાલિક દહેગામ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા, દહેગામ ફોરેસ્ટ રેન્જના આર.એફ.ઓ. મધુબેન બારડના માર્ગદર્શન હેઠળ રખિયાલ ફોરેસ્ટ અધિકારી વિકાસભાઈ ચૌધરી અને રાઠોડ કિશનસિંહ સહિતની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી.
આ કામગીરીમાં ઉમ્મીદ ફાઉન્ડેશન ટ્રસ્ટના ધીરજ મહેશ્વરી, સદભાવના ફાઉન્ડેશનના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, દશરથસિંહ ઠાકોર તેમજ સેવાભાવી યુવાનો ગૌરવભાઈ પટેલ, રાહુલ ઝાલા અને જાડેજા અક્ષયભાઈએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બચ્ચું ભયભીત અને ચંચળ હોવાથી તેને પકડવામાં મુશ્કેલી પડી રહી હતી. ટીમે સતત ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં નજર રાખી તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. આખરે રવિવારના રોજ ટીમને સફળતા મળી હતી. સેવાભાવી ટીમ અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત પ્રયાસોથી બચ્ચાને સુરક્ષિત રીતે પકડી તેના મોંમાં ફસાયેલા તાંબાના લોટાને ખાસ સાધનો વડે કાપીને વાનરના બચ્ચાનું મોં બહાર કાઢવામાં આવ્યું હતુ. લોટામાંથી મોં નીકળતા જ બચ્ચાને રાહત થઈ અને તેને તેની માતા સાથે સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું હતુ.

