- અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બન્યો બનાવ
- અકસ્માતને લીધે રિક્ષા અને બાઈકમાં આગ લાગી
- રિક્ષામાં પ્રવાસી કરી રહેલી મહિલા જીવતી ભૂંજાઈ, ત્રણને ગંભીર ઈજા
ભરૂચઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અંકલેશ્વર નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે શુક્રવારે સવારના સમયે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને વાહનોમાં આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં પ્રવાસ કરી રહેલી એક મહિલાનું જીવતી ભૂંજાઈ જતા મોત નિપજ્યુ હતું. જ્યારે રિક્ષામાં પ્રવાસ કરી રહેલા ત્રણ પ્રવાસીઓ દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતની આ ઘટનાના CCTV સામે આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે શુક્રવારે સવારના સમયે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બન્ને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે, રિક્ષામાં સવાર ચંપાબહેન વસાવાએ બહાર નીકળવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ પણ નીકળી ન શક્યા અને જીવા ભૂંજાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બબલુકુમાર, શર્મિષ્ઠા બહેન વસાવા અને નીલાબહેન વસાવા એમ ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે પ્રથમ ગડખોલ PHC અને બાદમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના વાયરલ થયેલા સીસીટીવીમાં જોવા મળે છે કે, સૌથી પહેલાં બે ટુવ્હીલર વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે. એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે, અને ટ્રકની પાછળ એક રિક્ષા આવે છે. રિક્ષાચાલક બ્રેક મારવા જતાં કાબૂ ગુમાવી દે છે અને રિક્ષા પલટી મારી દૂર ફંગોળાઇ જાય છે. જ્યારે ટુવ્હિલર પણ પટકાઈને દૂર ફેંકાય છે. અને રિક્ષા સાથેની જોરદાર ટક્કર બાદ બાઈક અને રિક્ષામાં આગ લાગે છે. જેમાં રિક્ષામાં પ્રવાસ કરી રહેલા એક મહિલાનું દાઝી જવાથી મોત નિપજ્યુ હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે રસ્તા પર ધુમાડો ફેલાતાં અને વાહનો અટવાઈ જતાં રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિક્ષામાં ડ્રાઇવર સહિત કુલ છ લોકો સવાર હતા. જેમાંથી કોંઢ ગામના રહેવાસી ચંપાબહેન વસાવાએ, શર્મિષ્ઠા બહેન વસાવા અને નીલાબહેન વસાવા ઘરકામ માટે અંકલેશ્વર જતાં હતા, તે સમયે આ અકસ્માત સર્જાતાં ચંપાબહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે શર્મિષ્ઠા બહેન વસાવા અને નીલાબહેન ગંભીર રીતે દાઝી ગયા છે. આ સિવાય રિક્ષામાં સવાર બબલુકુમારને પણ ગંભીર ઇજાઓ થઇ છે. જેમની સારવાર હાલ ચાલુ છે. આ ઉપરાંત રિક્ષામાં અન્ય એક યુવતી પણ હતી. જે દોડીને બહાર આવી જતાં તેમનો આબાદ બચાવ થયો છે. જ્યારે રિક્ષાડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઇ છે તેમજ જે બાઇક સાથે અથડાઇને આ અક્સમાત થયો તે બાઇકચાલકને પણ સમાન્ય ઇજાઓ થઇ છે. અકસ્માતની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

