Site icon Revoi.in

ભાવનગરમાં નારી ચોકડી પાસે કારની અડફેટે બાઈકસવાર ખેડુતનું મોત

Social Share

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના નારી ચોકડી પાસે સર્જાયો હતો, પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ખેડુતનું મોત નિપજ્યુંહતું.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા ગામના એક ખેડૂતનું કાર અકસ્માતમાં મોત નિપજ્યું હતુ. નાનજી ભાયા જેઠવા (ઉં.વ. 58) નામના ખેડૂત પોતાની વાડીમાંથી ડુંગળીનો જથ્થો વેચવા ભાવનગર આવ્યા હતા. નાનજીભાઈ કોળીયાક કુડા રોડ પર વાંઝાવાવ વિસ્તારમાં રહેતા હતા. તેઓ ડુંગળીનો જથ્થો નારી ચોકડી નજીક આવેલા સબયાર્ડમાં વેચ્યા બાદ પોતાના બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. નારી ચોકડી પાસે સામેથી આવી રહેલી વેગનાર કાર (GJ 04 DA 2548)એ બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ખેડુત રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની વરતેજ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતકના મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પુત્ર લાભુ જેઠવાએ વેગનાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.