Site icon Revoi.in

સુરતમાં પનીરના નમુના ફેલ થતાં જાણીતી ડેરીના સંચાલક સામે ગુનો નોંધાયો

Social Share

સુરતઃ શહેરમાં ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાં શહેરની એસઓજી પોલીસે ફુડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને થોડા દિવસ પહેલા રેડ પાડી હતી. અને 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરીને પનીરના નમુના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા હતા. તેનો રિપોર્ટ આવતા પનીરના નમૂના ફેલ થતાં ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતાં એસ.ઓ.જી. પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ડેરી દ્વારા શહેરની અલગ-અલગ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે પનીરનું વેચાણ કરવામાં આવતુ હતુ.

શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફૂડ સેફ્ટીના ધોરણોમાં નિષ્ફળ થતાં, એસ.ઓ.જી. (SOG) પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. જોકે, અન્ય એક માલિક અને સંચાલક કૌશિક પટેલ ગુનાની ગંધ આવી જતાં પોલીસ પકડથી બચવા માટે ફરાર થઈ ગયો છે. હાલ, પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસે સંચાલકો વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા અને નકલી પનીરને અસલી કહીને વેચી છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, ડેરીના સંચાલકો સુરત શહેરમાં દરરોજ આશરે એક હજાર કિલો નકલી પનીરનું વેચાણ કરતા હતા, જે સીધેસીધું લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હતું. આ કાર્યવાહીથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસની તપાસમાં નકલી પનીર બનાવવાની ચોંકાવનારી પદ્ધતિ સામે આવી છે. જેમાં સૌથી પહેલાં મોટા તપેલામાં ઓછું દૂધ, વનસ્પતિ ઘી, પામોલીન તેલ, અને મિલ્ક પાવડર ભેળવવામાં આવતા. ત્યારબાદ તમામ ઘટકોને મિશ્ર કરવાથી જરુરી ફેટ ઉત્પન્ન થતી. આ મિશ્રણને પ્લાન્ટમાં 90 ડિગ્રી સેલ્સિયસના તાપમાને ગરમ કરાતું. ગરમ કર્યા બાદ તેને 65 થી 70 ડિગ્રી સેલ્સિયસના તાપમાને ઠંડુ કરાતું. તેમાં ગ્લેશિયલ એસેટિક એસિડ ઉમેરવામાં આવતું, જેનાથી મિશ્રણ થયેલું દૂધ ફાટી જતું. ઓછા સમયમાં અને ઓછા ખર્ચે, આ રીતે ભેળસેળવાળું નકલી પનીર તૈયાર થતું હતુ.

Exit mobile version