Site icon Revoi.in

સુરતની આનંદ વિલા સોસાયટીમાં સાયકલ ચલાવતા બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત

Social Share

સુરત, 16 જાન્યુઆરી 2026: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં 8 વર્ષનો બાળક સાયકલ ચલાવી રહ્યો હતો. તે દરમિયાન પતંગની દોરી ગળામાં ભરાતા લોહી-લૂહાણ હાલતમાં ગબડી પડ્યો હતો. બાળકને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો.હોસ્પિટલ પહોંચતા તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

 સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવાર દરમિયાન દર વર્ષે પતંગની દોરી જીવલેણ સાબિત થતી હોય છે. તંત્રની કડકાઈ અને જનજાગૃતિના અભિયાનો છતાં આ વર્ષે પણ એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં પતંગની કાતિલ દોરીએ એક 8 વર્ષના નિર્દોષ બાળકનો જીવ લેતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના  જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની અમોલભાઈ બોરસેનો 8 વર્ષનો પુત્ર રેહાન્સ  પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો હતો અને ધોરણ-3 માં અભ્યાસ કરતો હતો. તેના પિતા હજીરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રેહાન્સ પોતાની સોસાયટીના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહ્યો હતો. તે સમયે આકાશમાંથી એક કપાયેલી પતંગની દોરી લટકતી નીચે આવી હતી. રેહાન્સ સાયકલ પર ગતિમાં હોવાથી તેને અંદાજ ન રહ્યો અને એ કાતિલ દોરી સીધી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. પતંગની દોરીના ઘર્ષણને કારણે તેનું ગળું ગંભીર રીતે કપાઈ જતા ત્યાં જ ઢળી પડીને તરફડવા લાગ્યો હતો. દરમિયાન આ બનાવથી બાળકના પરિવારજનો અને સોસાયટીના રહિશો એકઠા થઈ ગયા હતા. અને લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ગળાનો ભાગ ઊંડે સુધી કપાઈ ગયો હોવાથી ડોક્ટરો તેને બચાવી શક્યા નહોતા. હોસ્પિટલ પહોંચતા પહેલા જ માસૂમે દમ તોડી દીધો હતો.

Exit mobile version