Site icon Revoi.in

રાજકોટમાં અટલ સરોવર નજીક કરોડોના ખર્ચે કન્વેનશન સેન્ટર બનાવાશે

Social Share

રાજકોટઃ શહેરના અટલ સરોવર નજીક કરોડોના ખર્ચે કન્વેનશન સેન્ટર બનાવાની રાજ્ય સરકારે મંજુરીની મહોર મારી દીધી છે. અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 45000 વારથી વધુ જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે. ત્રણ વર્ષમાં કન્વેનશન સેન્ટરનું કામ પૂર્ણ કરવાનો અંદાજ છે.ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ ખાસ રૂ.50 કરોડ જેટલી રકમ ફાળવી દેવામાં આવી છે. આ કન્વેનશન સેન્ટર બનવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને આનો સીધો ફાયદો થશે અને તેમણે પોતાના બિઝનેશ પ્રોડક્ટના એક્ઝિબિશન માટે અમદાવાદ, મુંબઈ કે દિલ્લી નહિ પરંતુ રાજકોટમાં ઘરઆંગણે જ સુવિધા મળી રહેશે જેથી સૌરાષ્ટ્રનો વિકાસ પણ સારી રીતે આગળ વધી શકશે.

રાજકોટના રિંગ રોડ પર અટલ સરોવર પાસે કન્વેનશન સેન્ટર બનાવવા માટે આરએમસી દ્વારા 45 હજાર વારથી વધુ જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે અને ડિઝાઇન તૈયાર કરી આગામી ત્રણ વર્ષની અંદર આધુનિક કન્વેનશન સેન્ટર બનાવવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ ઓટોમોબાઈલ, એન્જીનિયરીંગ અને ઇમિટેશન માર્કેટ માટે દેશભરમાં જાણીતું શહેર છે. આ ઉપરાંત રાજકોટની બાજુમાં મોરબી એ સીરામીક હબ માનવામાં આવે છે જયારે જામનગર એ બ્રાસ પાર્ટ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે આ બધા ઉદ્યોગોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એક્ઝિબિશન માટે ગાંધીનગર મહાત્મા મંદિર, મુંબઈ કે દિલ્લી જેવા શહેરો તરફ ન જવું પડે તે માટે સૌરાષ્ટ્ર ભરના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થાય તે માટે સરકાર દ્વારા રાજકોટમાં ગાંધીનગર કરતા પણ મોટું અને વિશાળ કન્વેનશન સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે પ્રથમ તબક્કામાં જગ્યાની ફાળવણી કરી દેવામાં આવ છે બાદમાં તબક્કાવાર એક બાદ એક એજન્સી નક્કી કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી આવતા ત્રણ વર્ષમાં આધુનિક કન્વેનશન સેન્ટર બનાવી દેવાશે.

રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ. દ્વારા દિવાળી પૂર્વે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં કન્વેનશન સેન્ટરના કન્સલ્ટન્ટ નિમણુંક માટે દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખી ઉદ્યોગકારોની માંગણીને સ્વીકારી રાજ્ય સરકારની સૂચનાથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે રાજકોટમાં કન્વેનશન સેન્ટર બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે મ્યુનિ. દ્વારા અટલ સરોવર પાસે સ્માર્ટ સીટી વિસ્તારમાં 45000 વારથી વધુ જગ્યા ફાળવણી કરી દેવામાં આવી છે જ્યાં આધુનિક કન્વેનશન સેન્ટર બનાવવા નિર્ણય કરાયો છે.

Exit mobile version