Site icon Revoi.in

ગાંધીનગરના સેકટર-15માં ક્રેઈનની અડફેટે સાયકલસવાર પ્રોઢનું મોત

Social Share

ગાંધીનગરઃ પાટનગરમાં રોડ અકસ્માતો વધતા જાય છે. ત્યારે મહાકાય ક્રેઈનના ચાલકે સાયકલસવારને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. દરમિયાન તોતિંગ ક્રેઈન તેના પરથી પસાર થતાં ગંભીર ઈજા થવાને કારણે પ્રોઢ સાયકલસવારનું મોત નિપજ્યું હતું. પોલીસે ક્રેઈનના ચાલક સામે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેક્ટર-15માં આવેલી સરકારી વાણિજ્ય કોલેજ નજીક એક અકસ્માત સર્જાયો હતો. રંગની ક્રેઈનના ચાલકે બેદરકારીથી વાહન ચલાવતા સાઇકલ સવારને ટક્કર મારી હતી. સાઇકલ પર સવાર બબાભાઈ રામજી રબારી (ઉ.વ.58)ને ક્રેઈને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં બબાભાઈ નીચે પડી ગયા અને ક્રેન તેમના શરીર પરથી પસાર થઈ ગઈ હતી. આથી તેમને માથા, ડાબા ખભા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને 108ને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક બબાભાઈ અપરણિત હતા અને તેમના ભત્રીજા મહેન્દ્રભાઈ દેસાઈના ઘરે રહેતા હતા.

સ્થાનિક રહેવાસી રાકેશ મેલાજી ઠાકોરે અકસ્માતની માહિતી આપી હતી. મહેન્દ્રભાઈને હોસ્પિટલમાંથી મળેલી ડાયરીમાંના ફોન નંબર દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ક્રેન ચાલક સામે બેદરકારીથી વાહન ચલાવવા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.