Site icon Revoi.in

અંજાર નજીક ઈલેક્ટ્રોનિક કંપનીમાં લાગી ભીષણ આગ

Social Share

ભૂજઃ કચ્છના અંજાર નજીકની ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને ફાયરની 10 ટીમો દ્વારા પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. દરમિયાન કંપનીમાંથી 700 જેટલાં કામદારોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

અંજાર નજીક આવેલી ઈલેક્ટ્રિકના ઉપકરણો બનાવતી કંપનીમાં એકાએક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને અંદર ફસાયેલા કંપનીના કર્મચારીઓને પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીથી દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાઈ રહ્યા હતા. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવવા જહેમત ઉઠાવી હતી. તેમજ અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવી લેવાયો હતો.

ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, અંજાર નજીક ઈલેક્ટ્રોનીકના ઉપકરણો બનાવતા એકમમાં ભાષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે અંજાર ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ગાંધીધામ નગરપાલિકા, દીનદયાળ પોર્ટ ઓથોરિટી, વેલસ્પન, અંજાર અને કંડલા ટીમ્બર એસોસિયેશનના ફાયર બ્રિગેડ સહિતની 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આગના સમાચાર મળતા જ અંજાર SDM, પોલીસ વિભાગના અધિકારીઓ અને અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ નામાંકિત કંપની એરકૂલરનું મોટાપાયે ઉત્પાદન કરતી હોય પ્લાસ્ટિકના પાર્ટમાં લાગેલી આગ ઓલવવા માટે જહેમત ઉઠાવવી પડી હતી. અંજાર પી.આઈ. એ.આર. ઞોહીલ અને પોલીસ સ્ટાફે જીવના જોખમે કંપની અંદર ઘુસી 700 લેબર અને સ્ટાફને બચાવી કંપનીમાંથી બહાર કાઢયા અને 6 ગાયો અને બે વાછરડા પણ બચાવ્યા હતા.

Exit mobile version