Site icon Revoi.in

રાજકોટ માર્કેટ યાર્ડમાં એક પેઢીએ 145 કમિશન એજન્ટો પાસેથી જીરૂ ખરીદીને કરોડોનું કરી નાંખ્યુ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના મોટા ગણાતા રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં એક પેઢીના સંચાલકો કમિશન એજન્ટો પાસેથી કરોડો રૂપિયાનું જીરૂ ખરીદીને પેઢીને તાળુ મારીને પલાયન થઈ જતાં કમિશન એજન્ટોની હાલત કફોડી બની છે, પેઢીના સંચાલકોએ પોતાના મોબાઈલફોન પણ સ્વીચઓફ કરી દીધા છે. કમિશન એજન્ટોએ બુધવારે વીજળિક હડતાળ પાડી હતી અને અચોક્કસ મુદતનું બંધનું એલાન આપતા કામકાજ ઠપ થઇ ગયું હતું. યાર્ડના કમિશન એજન્ટોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક પેઢી ચલાવતા બે ભાઇઓ બિપીન ઢોલરિયા અને નિતેશ ઢોલરિયા રૂ.17.19 કરોડનું જીરું ખરીદ્યા બાદ 145 વેપારીને ધુંબો મારી પેઢીને તાળાં મારી ભાગી જતાં કમિશન એજન્ટોએ બુધવારે વીજળિક હડતાળ પાડી હતી અને અચોક્કસ મુદતનું બંધનું એલાન આપતા કામકાજ ઠપ થઇ ગયું હતું. યાર્ડમાં જીરુંનો વેપાર કરતી પેઢીએ અલગ-અલગ 145 જેટલા વેપારીઓ પાસેથી રૂ.17,19,50,059નું જીરું ખરીદ્યા બાદ છેલ્લા ચારેક દિવસથી પેઢીને તાળાં મારી દીધા હતા. યાર્ડના વેપારીઓને છેતરાયાની જાણ થતાં કમિશન એજન્ટોએ સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કમાણીની આગેવાની હેઠળ રાજકોટ યાર્ડના ચેરમેનને લેખિત રજૂઆત કરી હતી કે, પેઢી દ્વારા જીરુંના વેપારમાં યાર્ડના વેપારીઓના બાકી રહેતા નાણાં ન ચૂકવાય ત્યાં સુધી રાજકોટ માર્કેટ યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. જેના પગલે તમામ કમિશન એજન્ટો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં બુધવારે કપાસ, ઘઉં, જીરું, ધાણા, ચણા સહિતની જણસીઓની હરાજી બંધ રહી હતી અને કરોડોનો વેપાર અટક્યો હતો.

કમિશન એજન્ટોના કહેવા મુજબ  રાજકોટ યાર્ડમાં વેપારીઓ હરાજીમાં માલ વેચતા હોય છે અને કોઇપણ સોદો થયા બાદ માલની ડિલિવરી થયાના 3થી 4 દિવસમાં પેમેન્ટ કરવાનું હોય છે જ્યારે આ એક પેઢીના સંચાલકોએ  એક અઠવાડિયાથી પેમેન્ટ કર્યું નથી અને 145 જેટલા વેપારી પાસેથી માલ ખરીદી તેમને રૂ.17.19 કરોડનો ધુંબો મારીને પેઢીને તાળાં મારીને ભાગી ગયા હતા. જેથી પોલીસ કમિશનરને પણ વેપારીઓએ આવેદન આપીને લેખિતમાં ફરિયાદ કરી છે.

માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને એવી રજૂઆત કરી હતી કે, માર્કેટ યાર્ડમાં તમામ વેપારીઓ જાહેર હરાજીમાં માલનું વેચાણ કરીએ છીએ. ત્યારબાદ અમોને ખરીદનારા ચેકથી પેમેન્ટ કરતા હોય છે. આ જ નિયમથી જે.કે. ટ્રેડિંગ કું.ના માલિકો બિપીન ઢોલરિયા અને નિતેશ ઢોલરિયા દ્વારા જાહેર હરાજીમાં માલની ખરીદી કરી પેમેન્ટ માટે અમોને ચેક આપેલા છે. જેની રકમ રૂ.17,19,50,059 છે. જે અમારી સાથે છેતરપિંડી આચરેલ હોવાનું માલૂમ થયેલ છે. હાલ આ બન્ને વેપારીઓ ફરાર થયા છે અને બન્નેના મોબાઇલ ફોન સ્વિચ ઓફ છે. અમને શંકા છે કે, આ બન્ને વેપારીઓ વિદેશ ભાગી જશે તો આ બન્ને વેપારીના પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ બેન્ક એકાઉન્ટ તાત્કાલિક અસરથી બ્લોક કરાવી તેમજ અમારા પૈસા અમને પરત મળે તે માટે ઘટતું સત્વરે કરવા માગણી કરી છે.

Exit mobile version