1. Home
  2. ગુજરાતી
  3. બાબા બર્ફાનીના દર્શને ઉમટ્યું આસ્થાનું પૂર: 3 દિવસમાં 56,000થી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
બાબા બર્ફાનીના દર્શને ઉમટ્યું આસ્થાનું પૂર: 3 દિવસમાં 56,000થી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

બાબા બર્ફાનીના દર્શને ઉમટ્યું આસ્થાનું પૂર: 3 દિવસમાં 56,000થી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

0
Social Share

નવી દિલ્હી, 6 જુલાઈ 2026: જમ્મુ-કાશ્મીરના હિમાલય ક્ષેત્રમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફાની યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત 3 જુલાઈથી સત્તાવાર રીતે શરૂ થયેલી આ પવિત્ર યાત્રાના શરૂઆતના માત્ર ત્રણ દિવસની અંદર જ 56,961 થી વધુ ભક્તોએ 3,880 મીટરની અત્યંત મુશ્કેલ ઊંચાઈ પર સ્થિત પવિત્ર ગુફામાં પ્રાકૃતિક હિમલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

સરકારી આંકડાઓ મુજબ, યાત્રાના ત્રીજા દિવસે એટલે કે રવિવારે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 24,648 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દરબારમાં શીશ ઝુકાવ્યું હતું. આ પહેલા યાત્રાના પ્રારંભિક બે દિવસમાં કુલ 32,313 ભક્તોએ સફળતાપૂર્વક દર્શન પૂર્ણ કર્યા હતા. હાલમાં આ પવિત્ર યાત્રા પરંપરાગત 48 કિલોમીટરના પહેલગામ રૂટ અને 14 કિલોમીટરના ટૂંકા બાલતાલ રૂટ એમ બંને માર્ગો પર એકસાથે અત્યંત સુચારૂ અને શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.

  • રજિસ્ટ્રેશન ધરાવતા ભક્તોને જ કાશ્મીર ઘાટી તરફ આગળ વધવાની મંજૂરી

બીજી તરફ, શ્રદ્ધાળુઓનો આ અભૂતોપૂર્વ પ્રવાહ અને ભીડ જોતા જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે કેટલાક અત્યંત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આગામી 9 જુલાઈ સુધીના તમામ ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન સ્લોટ સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને દેશભરમાંથી આવતા બિન-રજિસ્ટર્ડ શ્રદ્ધાળુઓને આગ્રહભરી વિનંતી કરી છે કે તેઓ પોતાની યાત્રા આગામી થોડા દિવસો માટે મુલતવી રાખે જેથી કરીને બેઝ કેમ્પ પર વ્યવસ્થા જાળવી શકાય. કાયદો અને સુરક્ષા વ્યવસ્થાના કડક નિયમો લાગુ કરતા રવિવારથી માત્ર સત્તાવાર પરમિટ કે રજિસ્ટ્રેશન ધરાવતા ભક્તોને જ કાશ્મીર ઘાટી તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે, જ્યારે બિન-રજિસ્ટર્ડ ભક્તોને નિર્ધારિત ચેકપોઇન્ટ્સ પર જ રોકી દેવામાં આવી રહ્યા છે.

તંત્રની આ અપીલ છતાં હજારો શ્રદ્ધાળુઓ દૈનિક ધોરણે બેઝ કેમ્પ પર પહોંચી રહ્યા છે, જેને પગલે જમ્મુના તવી રિવરફ્રન્ટ, રામ મંદિર, પુરાણી મંડી અને ગીતા ભવન જેવા ઓન-સ્પોટ રજિસ્ટ્રેશન કાઉન્ટર્સ પર વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે, તંત્રએ માનવતાવાદી અભિગમ અપનાવીને રવિવારે પણ 5,000 બિન-રજિસ્ટર્ડ શ્રદ્ધાળુઓનું અલગ-અલગ આગામી તારીખો માટે રજિસ્ટ્રેશન કન્ફર્મ કર્યું હતું. નોંધનીય છે કે, 57 દિવસ સુધી ચાલનારી આ પવિત્ર ધાર્મિક યાત્રા આગામી શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના પર્વ સાથે વિધિવત રીતે સંપન્ન થશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code