Site icon Revoi.in

વલસાડમાં રોડ પર જઈ રહેલા એક્ટિવા પર ઝાડ પડતા બાળકીનું મોત, બેની હાલત ગંભીર

Social Share

વલસાડઃ શહેરમાં શાળામાંથી છૂટીને એક્ટિવા સ્કૂર પર ઘરે જઈ રહેલા ત્રણ વિદ્યાર્થી ભાઈ-બહેન પર ઝાડ પડતા 10 વર્ષથી વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું.જ્યારે વિદ્યાર્થીની હાલત ગંભીર છે, સ્કૂલથી છૂટીને એક્ટિવા પર જઈ રહેલા ત્રણ ભાઈ-બહેન પર અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેથી ત્રણેય ભાઈ-બહેન ઝાડ નીચે દબાઈ ગયા હતા. જેઓને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 10 વર્ષની ધ્યાનાએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે.

આ બનાવની વિગત એવી છે કે,  વલસાડના મોગરાવાડી નવરંગ ફળિયામાં રહેતા અજય પટેલના ત્રણ બાળકો જેમાં 18 વર્ષની સાચી, 15 વર્ષનો જીતકુમાર અને 10 વર્ષની બાળકી ધ્યાના અબ્રામા ખાતે સ્કૂલમાંથી છૂટીને બપોરે આશરે 12:30 વાગ્યાના સુમારે એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ હેડક્વાર્ટર પાસે જલારામ પ્રોવિઝન-સ્ટોરની સામે મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ધ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પોહચી હતી. ધ્યાનાને લોહીલુહાણ હાલતમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ ઘટનામાં ધ્યાનાનો ભાઈ જીત અને બહેન સાચીને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે. આ કરુણ ઘટનાને લઈને સમગ્ર વલસાડ પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આ ઘટના બાદ સ્થળ પર વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજ G.E.B ના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ધરાશાયી થયેલા વૃક્ષને કાપીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

સૂત્રોના કહેવા મુજબ  આ ઘટનામાં 108 એમ્બ્યુલન્સ સેવા 45 મિનિટ મોડી પહોંચી હતી. આનું કારણ રેલવે વિભાગે તેમની તમામ પ્રિમાઇસીઝ બંધ કરી હોવાનું અને ROB બ્રિજનું કામ ચાલતું હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો રેલવે વિભાગે બાઇક અને એક્ટિવાની અવરજવર માટે જગ્યા રાખી હોત તો તેઓને વહેલી સારવાર મળી શકી હોત. વરસાદને કારણે જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતુ. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.