Site icon Revoi.in

સુરતના માંગરોળ નજીક યાર્નના ગોદામમાં લાગી ભીષણ આગ

Social Share

સુરતઃ જિલ્લાના માંગરોળમાં મોટા બોરસરા ગામના પાટિયા પાસે મોડીરાત્રે એક યાર્ન ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ પાંચ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર વિભાગની ટીમોએ પાંચ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ એટલી ભીષણ હતી કે, ફાયર ટીમો પહોંચે તે પહેલાં જ આખું ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું હતું. ગોડાઉનમાં રાખવામાં આવેલો તમામ યાર્નનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો.

આ બનાવની વિગતો એવી છે કે, સુરતના માંગરોળ નજીક આવેલા મોટા બોરસરા ગામના પાટિયા પાસે યોર્નનું ગોદામ આવેલું છે. આ યાર્નના ગોદામમાં મોડી રાતે એકાએક આગ ફાટી નિકળી હતી. આગની જાણ થતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. અને ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. આ અંગે ફાયર અધિકારી ભાવેશ ગામીતે જણાવ્યું હતું કે, આગની ઘટનાને પગલે પહેલા અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ફાયર ટીમોને જાણ કરાઇ હતી. જેને લઇને કામરેજ, ટોરેન્ટ, બારડોલી, પાનોલી સહિતની ફાયર ટીમો સ્થળ પર દોડી આવી હતી. પાંચ-છ કલાક સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

યાર્નના ગોડાઉનના માલિક વિજય ખટીકના કહેવા મુજબ આ ઘટનામાં તેમને આશરે 20થી 22 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ ગોડાઉનમાં લગભગ 15થી 20 કામદાર કામ કરતા હતા, જેમની રોજી-રોટી પર પણ અસર થઈ છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.