Site icon Revoi.in

વડોદરામાં શિવજી કી સવારીમાં હર હર મહાદેવના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયાં

Social Share

વડોદરા, 15 ફેબ્રુઆરી-2026:  આજે મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે શહેરમાં શિવજી કી સવારી નિકળતા જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આજે બપોરે 3.30 કલાકે ભગવાન ભોળાનાથ પોતાના પરિવાર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાનની નગરચર્યા દરમિયાન હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું. આજે સાંજે 7.15 વાગે સુરસાગરની મધ્યમાં બિરાજમાન સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સમક્ષ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે.

શિવજી કી સવારીનો રથ ગઈ રાત્રે ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લઇ જવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા ભવ્ય તલવારબાજી થકી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. હર હર મહાદેવના નાદ, શંખનાદ સાથે શિવ પરિવાર મુખ્ય માર્ગો ઉપરથી પ્રતાપનગર ખાતે પહોંચ્યો હતો.

પૌરાણિક ગ્રંથો અનુસાર, મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયાં હતાં. આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં. ત્યારબાદ જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવએ પોતાનો પરિચય આપીને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યાં હતાં. મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વને લઈને એવી પણ માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે.

વડોદરા શહેરમાં આજે ભવ્ય શિવજી કી સવારી નીકળી હતી, જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતું. વડોદરા શહેર તેમજ આસપાસના 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ શિવજી કી સવારીમાં જોડાયા હતા. શિવ પરિવારનો રથ મોડી રાતે ઋણમુક્તેશ્વર મંદિર ખાતે લઇ જવામાં આવ્યો હતો. શહેરના મુખ્યમાર્ગો ઉપર આ રથને જોવા માટે પણ શ્રદ્ધાળુઓમાં હોડ લાગી હતી.

Exit mobile version