- અંજારના દુધઈથી 17 કિમી દૂર ઉત્તર-પૂર્વ દિશામાં કેન્દ્રબિંદુ
- લોકો ભરઊંધમાંથી સફાળા જાગી ઘરની બહાર દોડી ગયા
- કચ્છમાં સમયાંતરે ભૂકંપના હળવા આંચકા નોંધાતા હોય છે
ભૂજઃ કચ્છમાં ગઈકાલે રાત્રે 11.26 કલાકે 5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભરઊંઘમાં ઘરની બહાર દોડી આવ્યા હતા.કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી મશીન પર નોંધાયા મુજબ, આંચકાનું કેન્દ્રબિંદુ અંજાર તાલુકાના દુધઈથી 17 કિમી દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હતું.
કચ્છના પૂર્વ વિસ્તારના દુધઈ પાસે ગઈકાલે રાત્રે 11:26 કલાકે ફરીવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના સમયાંતરે નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ગત મોડી રાત્રે 11:26 કલાકે દુધઈ પાસે 5.0ની તીવ્રતાનો ભૂકંપના આંચકાની અસર રાપરથી લઈને નખત્રાણા સુધી લોકોએ અનુભવી હતી. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાનો સિલસિલો અવિરતપણે ચાલુ છે.
કચ્છમાં ગઈકાલે રાતના સમયે 5ની તિવ્રતાના ભૂકંપની અસર વાગડ, રાપર, ભચાઉથી લઈને અંજાર, ભુજ અને નખત્રાણા સુધીના વિસ્તારોમાં અનુભવાઈ હતી. આંચકો અનુભવતાં જ લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોએ એકબીજાની ખબર-અંતર પૂછવા ફોન કૉલ્સનો મારો ચલાવ્યો હતો. વામકા ભૂકંપ સંશોધન કેન્દ્રના લેબ આસિસ્ટન્ટ જ્યેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આ ભૂકંપના આ આંચકાથી સમગ્ર વાગડ વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ પહેલાં 16 માર્ચે ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2001ના મહાભૂકંપ બાદ કચ્છમાં સામાન્યથી મધ્યમ કક્ષાના અનેક આંચકાઓ સમયાંતરે નોંધાતા રહે છે. જોકે, ગઈકાલે રાત્રે આવેલા આંચકાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે.