કોનાક્રાઈ, 24 ઓગસ્ટ 2026: પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીની રાજધાની કોનાક્રાઈમાં આવેલા એક વિશાળ લેન્ડફિલ (કચરા ડમ્પિંગ સાઈટ) પર રવિવારે મોડી રાત્રે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં મોટી તબાહી મચી ગઈ છે. કચરાનો એક વિશાળ પહાડ અચાનક ધસી પડવાને કારણે 30 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓ અને સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ભયાનક દુર્ઘટના રવિવારે વહેલી સવારે બની હતી. આ ડમ્પિંગ સાઈટ શહેરનું સૌથી મોટું કચરા નિકાલનું સ્થળ છે, જે ‘દાર-એસ-સલામ લેન્ડફિલ’ તરીકે ઓળખાય છે. ઘટના બની તે સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો અને સ્થળ પર કચરો ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. અચાનક કચરાનો મોટો ઢગલો તૂટી પડતાં નજીકમાં આવેલી અનેક ઝૂંપડીઓ તેની નીચે દટાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ પ્રાદેશિક વહીવટીતંત્ર, આપત્તિ વ્યવસ્થાપન ટીમો અને લશ્કરી એન્જિનિયરિંગ બટાલિયન દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. સત્તાવાર માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 30 લોકોના જીવ ગયા છે જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અનેક કાચા મકાનો અને ઝૂંપડીઓ સંપૂર્ણપણે નાશ પામી છે. ઘટનાસ્થળે ઉપસ્થિત પ્રાદેશિક વહીવટ અને વિકેન્દ્રીકરણ મંત્રી ડાયનાબોઉ ટુરેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર આ દુર્ઘટનાથી અત્યંત દુઃખી છે અને પ્રભાવિત પરિવારોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત સ્થળે પુનઃસ્થાપિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
-
અગાઉ પણ આપવામાં આવી હતી નોટિસ
લશ્કરી એન્જિનિયરિંગ બટાલિયનના સેનિટેશન ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ બાલ્ડે મામાડોઉ બૈલોએ જણાવ્યું કે, અગાઉથી જ આ ખતરનાક ડમ્પિંગ સાઈટને બંધ કરવાની યોજના બનાવવામાં આવી રહી હતી. વહીવટી તંત્ર દ્વારા આ લેન્ડફિલની આસપાસ રહેતા સ્થાનિક રહેવાસીઓને સુરક્ષાના ભાગરૂપે વિસ્તાર ખાલી કરવા માટે અગાઉ નોટિસ પણ જારી કરવામાં આવી હતી, અને ઘણા લોકો ત્યાંથી ખસી પણ ગયા હતા. જો કે, અકસ્માત સમયે પણ આસપાસ નોંધપાત્ર સંખ્યામાં લોકો હાજર હોવાને કારણે જાનહાનિનો આંકડો મોટો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિની ખનિજ સંસાધનોથી સમૃદ્ધ દેશ છે અને વિશ્વનો સૌથી મોટો બોક્સાઈટ ભંડાર અહીં આવેલો છે. આ ઉપરાંત અહીં સોનું, હીરા અને લોખંડ જેવી કિંમતી ધાતુઓ પણ મોટા પ્રમાણમાં મળે છે, પરંતુ તેમ છતાં વર્લ્ડ બેંકના આંકડા મુજબ દેશની 43.7 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવન જીવવા મજબૂર છે.


