Homeગુજરાતીદેશ-વિદેશદિલ્હી-એનસીઆર પંથકમાં ભારે વરસાદ, હવાઈ સેવાને અસર

દિલ્હી-એનસીઆર પંથકમાં ભારે વરસાદ, હવાઈ સેવાને અસર

નવી દિલ્હી, 24 ઓગસ્ટ 2026: દિલ્હી-એનસીઆરમાં સોમવાર સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને લાંબા સમયથી સતાવી રહેલી ગરમીથી મોટી રાહત મળી છે. જો કે, સતત વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિના કારણે હવાઈ મુસાફરી પર માઠી અસર પડી છે અને અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. હવાઈ સેવાને અસર થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે જનજીવનને પણ અસર પડી છે.

હવામાન વિભાગે અગાઉ સોમવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. આ અનુમાન સાચું સાબિત થતાં દિલ્હી, નોઈડા અને ગાજિયાબાદ સહિત સમગ્ર એનસીઆરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં ભારે વરસાદની સાથે કલાકના 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે વાતાવરણ એકદમ આહ્લાદક બની ગયું હતું.

ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ ઓપરેશનને ભારે અસર પહોંચી છે. રિપોર્ટ્સ મુજબ, દિલ્હી એરપોર્ટ પરથી કુલ 14 ઉડાનોને ડાયવર્ટ કરવી પડી હતી, જેમાં 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ સામેલ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર 11 ફ્લાઈટ્સને જયપુર, 2 ફ્લાઈટ્સને ચંદીગઢ અને એક ફ્લાઈટને લખનૌ ડાયવર્ટ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ માટે નીકળતા પહેલા અથવા મુસાફરી કરતા અગાઉ સંબંધિત એરલાઇન્સ પાસેથી ફ્લાઇટનું લેટેસ્ટ શિડ્યુઅલ અચૂક ચેક કરી લે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular