
અરબી સમુદ્રમાં સરક્રિક નજીક પાકિસ્તાની બોટ પલટી, 8 ક્રુ મેમ્બરને બચાવાયાં
- ભારતીય નેવીએ બચાવ કામગીરી શરૂ કરી
- બોટમાં સવાર આઠ ક્રુ-મેમ્બર લાપતા
અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન પોરબંદર નજીક સરક્રીક પાસે પાકિસ્તાની બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હતી. ખરાબ હવામાનને કારણે સર્જાયેલી આ ઘટનામાં 16 જેટલા ક્રુ મેમ્બર દરિયામાં ડુબ્યા હતા. જેથી આ બનાવને પગલે બચાવ કામગીરી કરવામાં આવી હતી. 8 જેટલા ક્રુ મેમ્બરનું રેસ્ક્રુય કરાયું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર નજીક અરબી સમુદ્રમાં ખરાબ હવામાન હોવાના અલ-સીદીકિ નામની પાકિસ્તાની બોટ પલટી ખાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતા ભારતીય નેવીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યુ હતુ અને તાત્કાલિક સ્થળ પરથી બોટમાં સવાર 8 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે. જો કે બાકીના 8 ક્રૂ મેમ્બર્સ વિશે હજુ કોઇ જાણકારી નથી. હજુ 8 ક્રૂ મેમ્બર સમુદ્રમાં બોટ સાથે લાપતા હોવાનું જાણવા મળે છે. અરબી સમુદ્રમાં સરક્રિક નજીક આ દૂર્ઘટના બની હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનની જળસીમા પાસે સારી માછલીઓ મળતી હોવાથી ભારત અને પાકિસ્તાનના માછીમારો માછીમારી કરવા આવે છે. દરમિયાન કેટલીક વાર માછીમારો ભૂલથી બોર્ડર પણ ક્રોસ કરી લેતા હોવાની ઘટના બને છે. સરક્રિક નજીક પાકિસ્તાનની બોટ પલટી જવાની ઘટના ભારતીય જળ સીમામાં બની છે કે પાકિસ્તાનની તે જાણી શકાયું નથી.