- ભાવનગરમાં પત્ની અને બે બાળકોની હત્યા કરીને દાટી દીધેલા મૃતદેહ મળ્યા હતા,
- આરોપી પતિ સામે સુરતના રબારી સમાજે મોરચો ખોલ્યો,
- ભાવનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધો
સુરતઃ શહેરમાં રહેતા મહિલા તેના બે બાળકો સાથે વેકેશનમાં ભાવનગરમાં નોકરી કરતા ફોરેસ્ટ અધિકારી પતિ પાસે ગયા હતા. જ્યા ફોરેસ્ટ અધિકારી પતિએ ગૃહ કલેશને લીધે પત્ની અને તેના બે બાળકોની હત્યા કરીને ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દીધા હતા.ભાવનગરમાં ત્રણ દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનારા ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો હતો. ત્યારે શૈલષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માગ સાથે સુરતના કાપોદ્રામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ કાઢી હતી. જેમાં ‘ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો’ ના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન ભાવનગરની ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને કોર્ટમાં રજૂ કરી ને 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે શૈલેષના 7 દિવસીય રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નયનાબેન અને તેમના બે માસૂમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતમાં સખત અને ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રબારી સમાજના અગ્રણી ઉકાભાઈ ખાંભલિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ખૂબ જ નિંદનીય ઘટના છે. આ એવી ઘટના ઘટી છે. એટલે અમે તો કોઈ દિવસ માફ કરવાના નથી, સમાજ પણ માફ કરવાનો નથી. અમે તો એવું જ કહીએ છીએ કે જે અમદાવાદની ઘટના જે બની છે. જે સાયકો કિલરનું જે રીતે પોલીસ એન્કાઉન્ટર જે કર્યું હતુ એ જ પ્રમાણે આ ઘટનામાં કરે. જે દોષિત છે એને પહેલા એકત્રિત પુરાવા કરી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે. અમે પણ સમગ્ર સમાજ સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે.
તેમણે વધુમાં કહ્યુ હતું કે, સુરતમાં સમગ્ર સમાજે મહિલા અને બાળકોને શોધવા માટે 10 દિવસ માટે તનતોડ મહેનત કરી હતી. આરોપીએ 10-10 દિવસ સુધી સમાજને આખાને ગુમરાહ કર્યો હતો. એટલે આને કોઈ દિવસ સમાજ માફ ના કરી શકે. આજે વડવાળા સોસાયટીમાં સમગ્ર સમાજ ભેગો થયો છે. કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન, બાળકોના દિવ્ય આત્માને વડવાળા દેવ શાંતિ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ. આરોપી કોઈ સમાજનો હોતો નથી, આરોપીને ફાસીની સજા આપવામાં આવે તેવી સમાજ દ્વારા માગ કરવામાં આવી છે.

