- શહેરમાં 16 બ્રિજના ઇન્સ્પેક્શન રિપોર્ટ ત્રણ મહિને પણ અપાયો નથી,
- બ્રિજને મરામતની જરૂ હોય તો ત્વરિત કામગીરી કરાશે,
- સાબરમતી નદી પર બે ઓવરબ્રિજનું લોડ ટેસ્ટ કરાશે
અમદાવાદઃ વડોદરા નજીક મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વર્ષ 2010 પહેલા બનેલા તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરાવવાનો નિર્ણય લીધે છે. તેમજ સાબરમતી નદી પર આવેલા બે ઓવરબ્રિજના ફરીથી લોડ ટેસ્ટ કરવામાં આવશે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તમામ બ્રિજો પર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરશે અને જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં પ્રાથમિક રીપેરિંગ કરવામાં આવશે.
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બે દિવસમાં તમામ ઓવરબ્રિજનો સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. બ્રિજની ગંભીર દુર્ઘટનાને ધ્યાને લેતા શહેરમાં સાબરમતી નદી પર આવેલા બે જેટલા ઓવરબ્રિજનો ફરીથી લોડ ટેસ્ટ કરવામાં આવશે. વર્ષ 2010 પહેલાં બનેલા 38 જેટલા ઓવરબ્રિજ સૌથી પહેલાં પ્રાયોરિટીમાં ઇન્સ્પેક્શન કરવામાં આવશે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તમામ બ્રિજો પર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરશે અને જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં પ્રાથમિક રીપેરિંગ કરવામાં આવશે. જોકે ત્રણ મહિના અગાઉ 16 બ્રિજના ઇન્સ્પેક્શનના રિપોર્ટ હજી સુધી આવ્યા નથી.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગત વર્ષે 69 જેટલા બ્રિજના પ્રાથમિક ઇન્સ્પેક્શન કર્યા બાદ તેના રિપોર્ટ મુજબ રીપેરિંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ઇન્સ્પેક્શનમાં કાલુપુર બ્રિજ, અસારવા બ્રિજ અને કેડિલા બ્રિજ સહિતના ઓવરબ્રિજમાં મેજર રીપેરિંગની જરૂરિયાત હોવાથી તેમાં રીપેરિંગ કરવામાં આવ્યું હતું. જેની કામગીરી પણ પૂર્ણ થઈ ચુકી છે. શહેરના ગાંધી બ્રિજ, સરદાર બ્રિજ, જીવરાજપાર્ક અને ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર રીપેરિંગ કામગીરી હાલ કરવામાં આવી રહી છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વર્ષ 2010 પહેલાંના તમામ બ્રિજોને સૌથી પહેલાં તપાસવામાં આવી રહ્યા છે. બે દિવસમાં તમામ બ્રિજોનું ચેકિંગ અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને જ્યાં જરૂરિયાત લાગે તે મુજબની તપાસ કરી રિપોર્ટ આપવામાં આવશે. આગામી એક અઠવાડિયામાં કન્સલ્ટન્ટ મારફતે બ્રિજોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવી વિગતો તૈયાર કરવામાં આવશે.