- સુરત સાયબર ક્રાઈમ પોલીસે લાઈવ રેસ્ક્યુ કરીને 46 લાખ ટ્રાન્સફર કરતા બચાવ્યા,
- સાબર માફિયાએ નકલી કોર્ટરૂમ બતાવીને સિનિયર સિટિઝનને ધમકી આપતા હતા,
- વૃદ્ધને ડરાવવા બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચલાવ્યો હતો
સુરતઃ સીબીઆઈ, ઈડી, પોલીસ કે કોઈ વિભાગ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી એવી સરકાર દ્વારા જાહેરાત કરવા છતાંયે ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાઓની જાળમાં ફસાય રહ્યા છે. શહેરના મ્યુનિના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને સાયબર માફિયાઓએ પોલીસ અને CBI અધિકારી તરીકે ઓળખ આપીને “તમારા આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. 45 કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે. તેમ કહીને નિવૃત અધિકારી એવા સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ બનાવની સુરત શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ થતાં જ પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’માં રહેલા સુરત મનપાના નિવૃત્ત અધિકારીને સુરત સાયબર ક્રાઈમ પોલીસે ફિલ્મી અંદાજમાં રેસ્ક્યુ કરી તેમની જીવનભરની કમાણીના ₹46 લાખ બચાવી લીધા. આરોપીઓએ નકલી વર્ચ્યુઅલ કોર્ટ રૂમ બનાવી, જજ-વકીલ-બેંક મેનેજર બતાવીને વૃદ્ધને એટલા ડરાવી દીધા હતા કે, તે પોતાની મિલકત વેચીને પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસે સમયસર પહોંચીને કેવી રીતે સાયબર માફિયા સાથે વાત કરીને વૃદ્ધને બચાવ્યા એનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, મ્યુનિના નિવૃત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈ ગત મે મહિનામાં જ કેનેડાથી પરત ફર્યા હતા. તેમને સોમવારે બપોરના ટાણે એક અજાણ્યા લોકલ નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ અને CBI અધિકારી તરીકે આપી હતી અને વૃદ્ધને કહ્યું કે, “તમારા આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. કુખ્યાત આરોપી નરેશ ગોયલ સામે જે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે, તેમાં 45 કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે. અમિત દેસાઈ આ અંગે કઈ પ્રતિક્રિયા આપે કે કઈ સમજે તે પહેલાં જ તેમના મોબાઈલ પર SBI અને CBIના લેટરપેડ પર લખેલા બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચલાવવામાં આવ્યો હતો. એક નિવૃત્ત અને સન્માનિત અધિકારી માટે આ આઘાતજનક હતું. સાયબર ઠગાઈ કરનારાઓએ એટલી સિફતથી જાળ બિછાવી હતી કે, અમિતભાઈને વિશ્વાસ આવી ગયો કે, તે ખરેખર મુસીબતમાં ફસાયા છે. સોમવાર બપોરથી શરૂ થયેલું આ નાટક સતત 72 કલાક સુધી ચાલ્યું. આ દરમિયાન અમિત દેસાઈને ‘ડિજિટલ અરેસ્ટ’ પણ કરવામાં આવ્યા. સાયબર માફિયાઓ દ્વારા તેમને વીડિયો કોલ ચાલુ રાખીને જ રહેવાની ફરજ પાડવામાં આવી હતી. પીડિત વૃદ્ધને ડરાવવા માટે એક વર્ચ્યુઅલ કોર્ટ રૂમનું વાતાવરણ ઊભું કર્યું હતું. વીડિયો કોલ પર અમિતભાઈને દેખાતુ હતુ કે, સામે જજ બેઠા છે, બે વકીલો દલીલ કરી રહ્યા છે, બેંકના મેનેજર હાજર છે અને CBIના અધિકારીઓ પણ કોર્ટ રૂમમાં છે. આ બધું જ નાટક હતું પરંતુ, તે એટલું વાસ્તવિક લાગતું હતું કે અમિતભાઈ ડરી ગયા હતા આ ડરને વધારવા માટે સાયબર માફિયાઓએ નકલી કોર્ટમાં એક અન્ય આરોપીને 90 દિવસની જેલની સજા ફટકારી અને વૃદ્ધને કહેવામાં આવ્યું કે, “જો તમારે જેલ નથી જવું, તો સહકાર આપવો પડશે.” આ દૃશ્યો જોઈને અમિત દેસાઈ ફફડી ઉઠ્યા હતા. બુધવારે સાયબર માફિયાઓએ અમિત દેસાઈ પાસે તેમની તમામ પ્રોપર્ટી અને બેંક બેલેન્સ ખાલી કરીને 46 લાખ રૂપિયા RBIના નામે આપેલા એકાઉન્ટમાં જમા કરાવવાનું દબાણ કર્યું હતુ. આ સમયે અમિતભાઈને શંકા ગઈ અને હિંમત કરીને પોતાના ભાઈને જાણ કરી અને તેમના ભાઈએ તુરંત જ સુરત સાયબર સેલનો સંપર્ક કર્યો. સાયબર સેલના ડીસીપી બિશાખા જૈનની સૂચનાથી પોલીસની એક ટીમ તાત્કાલિક અમિત દેસાઈના ઘરે પહોંચી હતી. જ્યારે પોલીસ દરવાજામાં પ્રવેશી ત્યારે અમિત દેસાઈ તે જ ‘વિજય ખન્ના’ નામના સાયબર માફિયા સાથે વીડિયો કોલ પર હતા. પોલીસ અધિકારીઓએ ધીમેથી રૂમમાં પ્રવેશ કર્યો અને આખી બાજી પલટી નાખી હતી.
પોલીસ અધિકારી જ્યારે અમિતભાઈની બાજુમાં પહોંચ્યા ત્યારે સાયબર માફિયા (વિજય ખન્ના)ને કંઈક અજુગતું લાગ્યું. તેણે અમિતભાઈને પૂછ્યું, “તમારી આજુબાજુ કોણ છે?” આ સાંભળતા જ સાયબર સેલના અધિકારીએ અમિતભાઈના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો અને કેમેરો પોતાની તરફ ફેરવી દીધો હતો.

