સુરત, 29 જાન્યુઆરી 2026: ગુજરાતમાં રોડ-રસ્તા સહિત વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લીધે તકલાદી કામો થઈ રહ્યાની ફરિયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. ત્યારે સુરત શહેરના પાલનપુર કેનાલ રોડ પર સ્માર્ટ સિટીના નામે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનેલો RCC રોડ માત્ર સાત મહિનામાં જ તૂટી ગયો છે, 30 વર્ષની ગેરંટીના દાવા સાથે બનાવેલો રોડ માત્ર 7 મહિનામાં તૂટી જતા સ્થાનિક લોકોએ આ મામલે તપાસની માદ કરી છે.
સુરત શહરના પાલનપુર કેનાલ રોડ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે. પણ માત્ર 7 મહિનામાં રોડ બેસી જવાની, રોડ પર તિરાડો પડવાની ફરિયાદો ઊઠી છે. આ અંગે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ગુણવત્તામાં ચેડાં અને ભ્રષ્ટાચારને કારણે રોડની આવી હાલત થઈ છે. RCC રોડ સામાન્ય રીતે દાયકાઓ સુધી ટકે તે રીતે બનાવવામાં આવતા હોય છે પરંતુ, અહીં સ્થિતિ ઊલટી છે. આ રોડ 30 વર્ષ સુધી ચાલશે. એવો દાવો કરવામાં આવ્યો હતો. પણ સાત મહિનામાં જ રોડ તૂટી ગયો છે, દબાઈ ગયો છે અને તેમાં મોટી તિરાડો પડી ગઈ છે. આ ઘટના પાછળ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચેની પૈસાની ભાગબટાઈ અને ભ્રષ્ટાચાર થયો હોવાથી તપાસ કરવી જોઈએ.
શહેરના પાલનપુર-કેનાલ રોડ પરના સ્થાનિક રહીશોએ રોડની નબળી કામગીરી અંગે વારંવાર રજૂઆતો કરી છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ ઓફિસરને ઈ-મેઈલ દ્વારા પુરાવા સાથે ફરિયાદ કરી હોવા છતાં આજ સુધી તંત્ર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કોઈપણ પ્રકારની તપાસ કે રિપેરિંગની કામગીરી શરૂ ન થતા લોકોમાં એવો સંદેશ જઈ રહ્યો છે કે, તંત્ર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યું છે. અધિકારીઓની આ નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે આક્રોશ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ સુનાવણી ન થતા હવે આ લડત ગાંધીનગર સુધી પહોંચશે. મેં ઈ-મેઈલ કર્યા પણ કોઈ જવાબ મળ્યો નથી, હવે મુખ્યમંત્રીને રજૂઆત કરાશે.

