Site icon Revoi.in

સુરતમાં શેઠ ધનજીશા સ્કૂલ પાસે વિદ્યાર્થીએ લોખંડના સળિયાથી તેના સાથી વિદ્યાર્થી પર હુમલો કર્યો

Social Share

સુરતઃ સોશિયલ મિડિયાના વધુ પડતા વળગણને લીધે બાળકોમાં ઝનુન વૃતિ વધતી જાય છે. મહિના પહેલા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી પર જીવલેણ હુમલાથી હત્યાનો બનાવ બન્યો હતો. આવી જ એક હુમલાની ઘટના સુરત શહેરમાં બની છે. સુરત શહેરના શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરીયલ સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડા બાદ ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12 કોમર્સમાં ભણતા એક વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ઘટનાના 16 કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે. એક દિવસ પહેલાં વાલીઓએ શાળાને જાણ કરી હતી, પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે. શાળાના પ્રિન્સિપાલે બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, સુરતની શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરીયલ સ્કૂલમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને આ વિવાદ અંગે જાણ થઈ, ત્યારે તે હસવા લાગતા હુમલો કરનાર વિદ્યાર્થીને આ વાત પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાઇકલ પર સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે હુમલો કરનારો વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કરી રહ્યો હતો. સ્કૂલથી માત્ર 100 મીટર દૂર પહોંચતા જ રિક્ષામાંથી ઉતરીને હુમલાખોર વિદ્યાર્થીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી પર અચાનક સળિયા વડે હુમલો કરી દીધો. આ હુમલામાં વિદ્યાર્થીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. માતા-પિતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનો સિટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા હતા.

આ હુમલાની જાણ થતાં જ પીડિત વિદ્યાર્થીના વાલીઓ અને અન્ય વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાલીઓએ શાળાના ગેટ પાસે એકઠા થઈને શાળા સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી. વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને માગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનારા વિદ્યાર્થી સામે કડક પગલાં ભરવામાં આવે. વાલીઓએ શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરીયલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ આપી છે. તેઓએ આ સમગ્ર મામલે જવાબદાર વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા કડક કાર્યવાહી કરવાની માગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. આ મામલો સામે આવ્યાના 16 કલાક બાદ સ્કૂલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એક દિવસ પહેલાં વાલીઓ દ્વારા શાળાને જાણ કરવામાં આવી હતી, પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે. બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા છે.

Exit mobile version