
- પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી બન્યો આતંકવાદી
- કાશ્મીરથી ગયો હતો ભણવા માટે
- તપાસ એજન્સીએ કર્યો ખુલાસો
શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં રોકાયેલી ભારતની તપાસ એજન્સી દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે કાશ્મીરના ઘણાં યુવાનો પાસપોર્ટ અને માન્ય દસ્તાવેજોના આધારે પાકિસ્તાનની મુલાકાતે જાય છે અને ત્યારબાદ આતંકવાદી તરીકે ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરે છે.
થોડા દિવસ પહેલા સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશનમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું કે તે આતંકી શાકીર અલ્તાફ ભટ માન્ય પાસપોર્ટના આધારે વર્ષ 2018માં પાકિસ્તાન અભ્યાસ માટે ગયો હતો અને આતંકવાદી તરીકે પરત ફર્યો હતો.
તપાસ એજન્સી દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે આવી જ રીતે ઘણાં યુવાનો અભ્યાસ કે મુલાકાત માટે પાકિસ્તાન-બાંગ્લાદેશ ગયા બાદ પરત ફર્યા નથી અથવા પરત ફર્યા બાદ ગુમ થયા છે. આ તપાસ દરમિયાન તપાસ એજન્સીઓએ 2015થી 2019 દરમિયાન ઇશ્યુ કરાયેલા પાસપોર્ટની માહિતી મેળવી આકલન કર્યુ હતું. જેમાં બહાર આવ્યું છે કે તે પૈકી 40 યુવાનો અભ્યાસ માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ગયા હતા અને ત્યારબાદ તાલીમબદ્ધ આતંકવાદી તરીકે ઘૂસણખોરી કરી હતી.
ગત 1-એપ્રિલ-2021થી 6-એપ્રિલ-2021 દરમિયાન શોપિયાં, કુલગામ અને અનંતનાગ જિલ્લાઓમાંથી કેટલાંક યુવાનો કાયદેસર રીતે પાકિસ્તાન ગયા હતા પરંતુ હજુ સુધી પરત ફર્યા નથી. તેથી સુરક્ષા એજન્સીઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે સરહદ પારના સ્લીપર સેલ દ્વારા નવું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેનો દોરીસંચાર પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇ.એસ.આઇ.ના હાથમાં છે.