Site icon Revoi.in

કચ્છના સુરજબારી-શિકારપુર હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરે પલટી ખાધી

Social Share

ભૂજઃ કચ્છના પ્રવેશ દ્વાર સમા સુરજબારી અને શિકારપુર વચ્ચે વહેલી સવારે કંડલાથી મોરબી તરફ જતું પેટ્રો કેમિકલ ભરેલું ટેન્કર અચાનક બેકાબૂ બની હાઈવે પર પલટી ગયું હતું. આ અકસ્માતને કારણે મોરબી તરફની લાઈનમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લગભગ 5થી 6 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સામખિયાળી પોલીસ અને સુરજબારી ટોલ પ્લાઝાની હાઈવે પેટ્રોલિંગ ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ બનાવની વિગતો એવી છે કે, કચ્છના સુરજબારી અને શિકારપુર વચ્ચે વહેલી સવારે કંડલાથી મોરબી તરફ જતું પેટ્રો કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતા પેટ્રો કેમિકલ હાઈવે પર ઢોળાઈને હાઈવે સાઈડ પરનું ખાબોચિયુ ભરાઈ ગયુ હતું. હાઈવે પર ટેન્કર પલટી જવાથી હાઈવેનો એક તરફનો રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે બે ક્રેન અને ભચાઉ ફાયર વિભાગની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનને રોડ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ટેન્કર પલટી જવાથી રોડની બાજુમાં મોટા ખાબોચિયામાં પેટ્રો કેમિકલ ભરાઈ ગયું હતું. આસપાસના લોકો વિવિધ સાધનો લઈને આ કેમિકલ એકઠું કરવા દોડી આવ્યા હતા. દુર્ઘટના સર્જ્યા બાદ ટેન્કરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.