Site icon Revoi.in

ધંધૂકા-રાણપુર રોડ પર ટ્રકે કારને અડફેટે લેતા કારચાલક શિક્ષકનું મોત, 3ને ગંભીર ઈજા

Social Share

અમદાવાદ, 4 જુન, 2026 : Truck-car accident  હાઈવે પર બેફામ ગતિએ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધંધુકા- રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. ધંધુકા નજીક રાણપુર રોડ પર કિશાન જીનની નજીક પૂર ઝડપે ટ્રકે કારને ટક્કર મારતા કારચાલક શિક્ષકનું મોત નિપજ્યુ હતું. જ્યારે કારમાં પ્રવાસ કરી રહેલા શિક્ષકના પત્ની અને માસુમ પૂત્ર સહિત ત્રણને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ધંધુકા-રાણપુર રોડ પર કિશાન જીન નજીક એક બેકાબૂ ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારના કુરચેકુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં કારચાલક 35 વર્ષના યુવાન શિક્ષકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકની પત્ની અને માસૂમ પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શાળાનું વેકેશન પૂરું થતુ હોવાથી શિક્ષક પરિવાર સામાન ભરીને પોરબંદરથી નોકરીના સ્થળે લીમખેડા જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકનું નામ  મોહન પરબતભાઇ વાસણ (ઉં.વ.35), અને ઇજાગ્રસ્તોના નામ લક્ષ્મીબેન મોહનભાઈ વાસણ (પત્ની, ઉં.વ.30), જાસ્મિન મોહનભાઈ વાસણ (પુત્ર, ઉં.વ.04) અને ધનંજય (મૃતકના મામાનો દીકરો) (તમામ રહે. અમીપુર ગામ, તા.કુતિયાણા, જિ.પોરબંદર) હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. જ્યારે સ્થાનિક લોકો અને ઇમરજન્સી સેવાઓ દ્વારા તમામ ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરિવારે નજર સામે જ મોભી ગુમાવતાં ચીસાચીસ મચી ગઈ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, , મૂળ પોરબંદર જિલ્લાના અમીપુરા ગામના વતની મોહન પરબતભાઇ વાસણ (ઉં.વ. 35) દાહોદ જિલ્લાના લીમખેડા નજીક આવેલા એક ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઉનાળુ વેકેશન પૂરું થતાં અને શાળાઓ પુનઃ શરૂ થવાની હોવાથી, મોહનભાઈ પોતાના પરિવાર સાથે ઘરવખરીનો સામાન લઈને પોરબંદરથી લીમખેડા જવા નીકળ્યા હતા. તેમની સાથે કારમાં પત્ની, પુત્ર અને મામાનો દીકરો સવાર હતા, જ્યારે સામાન ભરેલી બીજી ગાડીમાં ચિરાગ નામનો યુવક પાછળ આવી રહ્યો હતો.

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક જાણ કરાતા ધંધુકાની 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108ની ટીમે લોહીલુહાણ હાલતમાં રહેલા ત્રણેય ઇજાગ્રસ્તને ધંધુકા RMS હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ત્રણેયની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા છે.

Exit mobile version